કચ્છમાં 4 વર્ષના દુષ્કાળ બાદ આવેલા મોંઘેરા મહેમાન મેઘરાજાએ ચોમાસામાં ચોકકસ હેત વરસાવ્યા પણ હવે કમોસમી વરસાદથી ખેડુતો અને તમામ વર્ગ પર આઘાત થઈ રહ્યો છે. દિવાળી પછી કંઈક સારૂં થશેની આશામાં રહેલા ખેડુતો, કરા સાથેનો ડરામણા વરસાદથી રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું છે. ખેડૂતોએ વસવસો વ્યક્ત કરતાં મગ, મઠ, કોરડ, જુવાર અને થોડે અંશે ગુવારનો પાક બળી ગયાનું જણાવ્યું હતું. પાક કાળો પડી જતાં ચારા માટે પણ કામ નહીં આવે તેવી સ્થિતી ઉભી થઈ છે.
ખેડૂતો માટે આફતરૂપી કમોસમી કરા સાથે વરસાદ પડતાં પાકેલા ધાન્ય પાકો બાજરી તેમજ ગુવાર, મગ, મઠ વગેરેને ભારે નુકસાની થઇ છે. જ્યારે કાંપણી કરી ખેડૂતોએ સંગ્રહ કરેલા ધાન્ય પાક ચારો વગેરેને ખૂબ જ નુકસાન થતાં ખેડૂતો માટે આ વરસાદ આફતરૂપ પડયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. હજારો ખેતરોમા કરોડોનો પાકમાં નુકશાની પગલે ખેડુતો સરકાર સમક્ષ રાહત અને મદદની માગ કરી રહ્યા છે.