કચ્છ : ભુજના માધાપર ખાતેના કોરિબારી તળાવ ખાતે મારી માટી, મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ કલેકટર, ભુજ વિધાનસભા વિસ્તાર અને અંજાર વિધાનસભા ધારાસભ્ય, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે યુધ્ધના ધોરણે ભુજ એરબેઝના રનવેની કામગીરી કરનાર વીરાંગના બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વીર સ્મારક તકતી : આ કાર્યક્રમ દરમિયાન દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશના જવાનો દ્વારા સરહદ પરની માટી કળશ મારફતે ગૃહ રાજ્યપ્રધાનને આપવામાં આવી હતી. ઉપરાંત વીર સ્મારકની તકતીનું અનાવરણ કરીને માધાપરની માટી હાથમાં લઈને દેશ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ત્યારબાદ ધ્વજ વંદન કરીને સુરક્ષા દળો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.
ઐતિહાસિક ભૂમિ માધાપર : આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ લોકોને સંબોધિત કર્યા હતો. તેઓએ જણાવ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમમાં હું ભારત દેશની ઐતિહાસિક ભૂમિ માધાપર ગામે આવ્યો છું. જેની ચર્ચા માત્ર કચ્છ જિલ્લામાં જ નહીં દેશભરના ખૂણે ખૂણે 50 વર્ષ કરતાં વધારે સમયથી થઈ રહી છે.
1971 ના યુદ્ધમાં મળેલ વિજયમાં માધાપર ગામના લોકો અને વીરાંગના બહેનોનું યોગદાન રહ્યું છે. માત્ર આ ગામ જ નહિ પરંતુ સમગ્ર દેશ માધાપરની વીરાંગના બહેનોનું ગર્વ લે છે.આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સુરક્ષા દળોના શહીદ થયેલા જવાનોના ગામની માટી એકત્ર કરવામાં આવી રહી છે. જે દિલ્હીના કર્તવ્ય પથ સુધી પહોંચશે. આજે મને માધાપર ગામની માટી એકત્ર કરવાનો અવસર મળ્યો છે. તેના માટે હું મારી જાતને ખૂબ ખુશનસીબ સમજુ છું. -- હર્ષ સંઘવી (ગૃહ રાજ્યપ્રધાન, ગુજરાત)
વીરાંગનાઓની વીરગાથા : નોંધનિય છે કે, વર્ષ 1971 માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભુજના એરબેઝના રનવેને પાકિસ્તાન દ્વારા બોમ્બબારી કરીને નષ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે માધાપરની વીરાંગનાઓ દ્વારા એરફોર્સના જવાનો સાથે મળીને રાતોરાત રનવે તૈયાર કરવામાં આવ્યો હતો. માધાપરની બહેનો દ્વારા એરસ્ટ્રીપ બનાવીને યુદ્ધમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના પગલે ભારતને આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.
મારી માટી મારો દેશ કાર્યક્રમ : દેશમાં કાશ્મીરથી કન્યાકુમારીના વિવિધ ગામડાઓમાંથી શહીદ થયેલા જવાનોના વતનની માટી એકત્ર કરવાનો કાર્યક્રમ એટલે કે, મારી માટી, મારો દેશ કાર્યક્રમ છે. આવનારી પેઢી દેશની સેનાના સાહસ, માધાપરના વીરાંગના બહેનોનું સાહસ ભૂલે નહીં તે માટે આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો આ અવસરમાં વધુમાં વધુ ગામો જોડાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.