કચ્છ : પ્રવાસન ક્ષેત્રે વિકસી રહેલા કચ્છના માંડવીમાં સહેલાણીઓ માટે સુંદર રમણીય બીચ આવેલો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ માંડવી બીચની મુલાકાત લઇ રહ્યા છે. આ બીચ પર પ્રવાસીઓની ભીડ એકત્ર થતા સુવિધાઓ પણ ટુંકી પડી રહી છે જેથી કરીને માંડવીમાં અન્ય 2 થી 3 બીચને ડેવલપ કરવા માટે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા રાજય સરકારમાં રજૂઆત કરાઈ હતી અને ટુંક સમયમાં માંડવીને નવા બીચ મળશે
સુવિધાઓ ટૂંકી પડી રહી છે : માંડવી બીચ વિશ્વ વિખ્યાત બની જવા પામ્યો છે. માંડવી રમણીય બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ પણ જોવા મળે છે. માંડવી બીચ પર એશિયાનુ પહેલું વિન્ડફાર્મ આવેલું છે પરંતુ આ બીચ પર જવાનો રસ્તો ગામમાંથી પસાર થાય છે. જેથી કરીને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ઉપરાંત બીચ પર જ હજારોની સંખ્યામાં લોકો ઉમટતા બીચ પર પણ લોકોની ભીડ જામે છે અને લોકો ખુલ્લા મને આનંદ પણ નથી મેળવી શકતા અને સુવિધાઓ પણ ટૂંકી પડી રહી છે.
અન્ય બીચ વિકસાવવા પહેલ : મુખ્ય માર્ગ પર થતા ટ્રાફિકને ડાયવર્ટ કરવા તેમજ લોકો માંડવીમાં આવેલા અન્ય ત્રણ ચાર બીચની મુલાકાત લે તેના માટે તેને ડેવલોપ કરવા માટે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા રાજય સરકારમાં રજૂઆત કરાઈ છે. જેથી કરીને માંડવી બીચ પર વધારે પ્રવાસીઓ આવે અને પર્યટન ક્ષેત્રે વધુ વિકાસ થાય.
પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે :પ્રવાસન વિભાગની કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા જેવી જાહેરાત બાદ માંડવીના બીચ પર ભારે આકર્ષણ ઉભું કર્યું છે તો અગાઉ બીચ ફેસ્ટિવલ પણ અહીં યોજાયો હતો જેથી કરીને પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. માટે હવે માંડવીમાં આવેલા અન્ય બીચ પર પણ લોકો ઉમટે તેના માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા સહિતના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ પ્રવાસનને વેગ મળ્યો છે અને કચ્છમાં રણોત્સવનો પ્રાંરભ થયો છે. તો તેમના જ નેતૃત્વમાં જ માંડવી બીચ પર કચ્છી નવું વર્ષ અષાઢી બીજ ઉજવાઈ હતી. ત્યારથી જ લોકો મોટી માત્રામાં માંડવીના બીચ પર ઉમટી રહ્યા છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો બીચની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે હાલમાં જે વ્યવસ્થાઓ સહેલાણી બીચ પર છે તે નાની પડી રહી છે અને લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે...અનિરુદ્ધ દવે (માંડવીના ધારાસભ્ય)
મુખ્યપ્રધાનની મંજૂરી : આ બાબતે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી કે તેમના નેતૃત્વમાં માંડવી ખાતે આવેલા અન્ય બીચ છે કે જેથી મુખ્ય બીચ પર ભારણ ઘટાડીને અન્ય બીચની ભેટ આપવામાં આવે. જેથી કરીને લોકો હળવાશથી ફરી શકે અને લોકો બીચનો આનંદ માણી શકે. આ રજૂઆતને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેની મંજૂરી આપી હતી. ટૂંંક સમયમાં માંડવીના રાવળપીર પર પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક માટે બાંકડાની વ્યવસ્થા તેમજ શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેને કારણે મુખ્ય બીચ પરનું ભારણ ઘટશે તેમજ આવનારા દિવસોમાં વાહનોના ટ્રાફિકની સમસ્યા બાયપાસ રોડ બન્યા બાદ દૂર થશે.