કચ્છ: કચ્છના ટ્રેડિશનલ મડવર્કના કારીગર માજીખાન મુતવાને વર્ષ 2023 માટે ઈનોવેશન ઈન ક્રાફટ ડિઝાઇન માટે ધ ક્રિપાલસિંહ શેખાવત એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ માટે ખાસ કરીને કળા કારીગરીમાં ઇનોવેશન માટે તેમજ કળાને આગળ લઈ આવવા માટે કારીગર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ વર્ષે આ જયપુર ખાતે આ ધ ક્રિપાલસિંહ શેખાવત એવોર્ડ સમારંભ યોજાયો હતો. 350 વર્ષ જૂની ટ્રેડિશનલ મડવર્ક કળાને જીવંત રાખવા તેમજ તેમાં ઇનોવેશન તરીકે જીણવટભરી કળા કરવા માટે માજીખાન મુતવાની પસંદગી કરવામાં આવી હતી.
G-20માં પણ વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરી: કચ્છના સરહદી વિસ્તાર સિણીયારો ગામના ટ્રેડિશનલ મડવર્ક કલાકાર માજીખાન મુતવાએ કચ્છની માટીમાંથી નિર્મિત 350 વર્ષ જૂની મડવર્કની કળાને G-20માં પણ વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું .જે સમયે સરહદી વિસ્તારના ગામમાં વાહનો તરીકે ઘોડા અને ઊંટ ચાલતા હતા તે સમયથી આ કળાની શરૂઆત થઇ હતી. સરહદી વિસ્તારના લોકો જ્યારે પોતાના ઘર બનાવતા હતા. ત્યારે તે પૂરા માટીથી પોતાના ઘર બનાવતા હતા અને ત્યારે માટીથી લીંપણ કરવાનું તેમજ તેની પર મીરરવર્ક કરતા હતા. ત્યારથી જ ટ્રેડિશનલ મડવર્કની શરૂઆત થઈ હતી. મડવર્કમાં માટીમાંથી વિવિધ ડિઝાઇન બનાવીને ઘરને ખૂબ સુંદર રીતે સુશોભિત પણ કરી શકાય છે.
માત્ર 10મુ ધોરણ પાસ છે માજીખાન: ઉલ્લેખનીય છે કે માજીખાન મુતવા માત્ર 10મુ ધોરણ પાસ કરેલ છે અને તેમને થોડી અંગ્રેજી આવડતી હતી. જેના લીધે તેઓ ગૂગલ પર સર્ચ કરીને આર્ટ વિશે શીખ્યા છે.તો એક સમયે માજીખાને બેંકના ATM પર સિક્યુરીટી ગાર્ડ તરીકેની પણ ફરજ બજાવી છે. એટીએમ પરની નોકરી દરમિયાન તેમને એક કલાકાર તરફથી પ્રેરણા મળી હતી અને ત્યાર બાદ આ ટ્રેડિશનલ કળા કારીગરીમાં રસ જાગ્યો હતો. આ કલાને એપ્રિલ 2013માં રોજગારીના વિકલ્પ તરીકે માજીખાને પસંદ કર્યું હતું. વર્ષ 2013થી 2015 સુધી આ કળા દ્વારા રોજગારી મેળવવા તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો અને અનેક વાર નિષ્ફળતાનો પણ સામનો કર્યો હતો.પરંતુ માજીખાને હિમ્મત ના હારીને મજબૂત મનોબળ રાખીને અન્ય કારીગરોના સંપર્કમાં આવ્યા અને ત્યાર બાદ તેમને મડવર્ક માટેનું કામ ધીમે ધીમે મળતું ગયું અને આજે તેઓ અનેક એવોર્ડથી સન્માનિત પણ થઈ ચૂક્યા છે.
એન્ટરપ્રેન્યોર ગોલ્ડ એવોર્ડ: કચ્છના સરહદી વિસ્તારના ગામડાના કારીગર માજીખાન મુતવા દરેક પ્રકારની સુવિધાના અભાવને પોતાની તાકાત બનાવી દ્રઢ નિશ્ચય સાથે સાથે આગળ વધ્યા હતા. કચ્છના માજીખાન મુતવાને એમેઝોન જેવા પ્લેટફોર્મનો પણ સારો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત ગુગલની નેશનલ મીટ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી. તો હાલમાં તેમને કારીગર ક્લિનિક સાથે જોડાયા બાદ "આઉટસ્ટેન્ડિંગ કારીગર એન્ટરપ્રેન્યોર" નો ગોલ્ડ એવોર્ડ પણ જીત્યો હતો. તો તેના નામે 2 વર્લ્ડ રેકોર્ડ પણ છે. જુલાઈ 2023માં રાષ્ટ્રપતિ ભવનમાં નિર્માણ પામેલ નવી ગેલેરીમાં પણ માજીખાન દ્વારા મડવર્ક કરવામાં આવ્યું છે.
ઝીણવટભર્યું મડવર્ક કળામાં અવ્વલ: માજી ખાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસો બાદ કચ્છની મડવર્ક કળા ધીરે ધીરે પ્રખ્યાત થતી ગઈ અને તેનામાં કરેલા મિરર વર્કને લીધે તે વધુ આકર્ષિત બનતી ગઈ અને માંગ વધતા દરેક સ્થળે કારીગરો આ કળા કરવા જઈ શકે તેવું શક્ય ન હોતાં કારીગરોએ નાના મોટા લાકડાના તથા એમ.ડી.એફના ટુકડાઓ પર માટીની વિવિધ ડિઝાઇન તૈયાર કરીને વિવિધ આર્ટ પીસ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વોલ હેંગીગ, ફોટો ફ્રેમ, કિચેઇન, ઘડિયાળ વગેરે જેવા આર્ટ પીસ બનાવવામાં આવી રહ્યા છે.
પ્રતિનિધિઓએ કરી હતી પ્રશંસા: ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં આયોજિત ભારત મંડપમમાં દેશભરના વિવિધ કલા કારીગરીના આર્ટપીસ જોવા માટે પહોંચ્યા હતા. જેમાં કચ્છના બન્નીના સિણીયારો ગામના મડવર્કના કારીગર માજીખાન મુતવાને જોતા જ નરેન્દ્ર મોદીએ તેમને કચ્છી ભાષામાં પૂછ્યું હતું કે ‘કચ્છી માડુ કી અયો?’ અને ત્યાં હાજર રહેલા 20 દેશોના ડેલિગેટ્સ કચ્છની આ કળામાં ખૂબ જ રસ પડ્યો હતો અને ખરીદી પણ કરી હતી તો સાથે જ માજીખાનના સંપર્કમાં રહેવા માટે વાતચીત પણ કરી હતી. G 20 સમિટમાં વિવિધ 20થી વધુ દેશના મહાનુભવોએ કચ્છની, ભારતની આ કળા નિહાળી અને તેની કૃતિઓ ખરીદીને કચ્છની કળા અને કચ્છી કારીગરનું સન્માન કર્યું હતું. કચ્છની 350 વર્ષ જૂની તળાવની ચિકણી માટીની કળાને પણ G 20 માં સ્થાન મળતા આ કળાને પણ વૈશ્વિક દરજ્જો મળ્યો છે જે કચ્છ માટે પણ ગૌરવની વાત છે.