કચ્છ: છેલ્લાં કેટલાક સમયથી જે રીતે પૂર્વ કચ્છના વિસ્તારોમાં ચોરી, લૂંટ, હત્યા, અપહરણ સહિતના ગંભીર ગુનાઓ બની રહ્યા છે તે રીતે જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે રાપર તાલુકાના ત્રંબૌ પાસે 12.79 લાખની લૂંટની ઘટના સામે આવતા સમગ્ર વાગડ વિસ્તાર સહિત કચ્છમાં પણ ચકચાર મચી જવા પામી છે.
બેંકમાં પૈસા જમા કરવા જતાં રસ્તામાં લૂંટ: રાપરના ત્રંબૌ ચાર રસ્તા નજીક આવેલા મોરબીયા પેટ્રોલ પંપ પર કામ કરતા બે કર્મચારીઓ લાલુભા જાડેજા અને કિશોર સોઢા આજે બેન્ક ઓફ ઇન્ડિયામાં 12,79,320ની રકમ જમા કરાવવા બાઇક ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન સવારના 10.45 વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સોએ તેમની બાઇક સાથે પોતાની બાઇક ટકરાવી ધારદાર હથિયાર વડે કર્મચારી ઉપર હુમલો કરી રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. અજાણ્યા શખ્સોએ કરેલ હુમલામાં પેટ્રોલ પંપના કર્મચારી લાલુભાને ગંભીર ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે રાપર સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા તો વધુ સારવાર માટે સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
" ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે અને પેટ્રોલ પંપ તથા આસપાસના સીસીટીવી કેમરાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં કાર્યવાહી ચાલુ છે આગામી સમયમાં આ લૂંટની ઘટના અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. " - વી.કે.ગઢવી, PSI, રાપર પોલીસ સ્ટેશન