ભુજ સ્થિત જૂની રાવલવાડી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મહેશ્વરી સમાજવાડીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને તુલસીનાં છોડને પાણીથી સીંચી ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, બહેનો અને યુવાનોએ હવે પોતાનામાં રહેલી શક્તિને કૌશલ્ય વર્ધનમાં પરિવર્તિત કરવી પડશે. ભણવાની સાથે આ યુગમાં સ્કિલ ડેવલોપમેન્ટનું મહત્વ વધ્યું છે. ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટની કામગીરી બિરદાવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક વિ.આર.રોહિતે કહ્યું કે, સમાજની બહેનોમાં રહેલી કૌશલ્ય શક્તિને વિકાસ માર્ગે લઇ જવા આ પ્રકારની તાલીમ આવશ્યક છે. સ્કિલ ડેવલોપમેન્ટનાં હેડ જતીનભાઈ ત્રિવેદીએ કહ્યું કે, કૌશલ્યવર્ધિત યુવાનો અને બહેનોએ તાલીમ મેળવી જે ઉત્પાદન કરશે, તેનું ઓનલાઈન માર્કેટિંગ તથા રોજગારી આપવા પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનનાં સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં ઉપસ્થિતોને આવકાર્યા બાદ મુન્દ્રા અદાણી સ્કિલ ડેવલોપમેન્ટનાં જલ્પેશભાઈ વાઘેલાએ સંસ્થા વિશે માહિતી આપી હતી. સાંસદના હસ્તે તાલીમાર્થીઓને કીટનું વિતરણ તથા દિવ્યાંગ તાલીમાર્થી સોનલબહેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી 1500 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.