કચ્છ: સસ્પેન્ડેડ IAS અને કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે વધુ એક જમીન કૌભાંડ અંગે ભુજ સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. પુર્વ કલેકટર પ્રદિપ શર્મા અને બિલ્ડર સંજય શાહના બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ભુજ શહેરના મામલતદાર કલ્પના ગોંદિયાએ પૂર્વ કલેક્ટર અને તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અને ભુજના સંજય શાહ નામના લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું: કલેકટર અને નાયબ કલેકટર જેવા સરકારી અધિકારીઓએ સંજય શાહ પાસેથી અનુચિત લાભ લેવાના હેતુથી ગુનાહિત કાવતરું રચીને, કલેકટર તરીકેના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીન ખરાબા તરીકે ગણીને વેચીને સરકાર સાથે વિશ્વાસઘાત કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ આરોપ બદલ ઈપીકો કલમ 409, 17, 110-બી, 114 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 (ગ) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શું છે આરોપ:
- મામલતદારે ભુજ સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યા છે કે પ્રદીપ શર્માએ મે 2003થી જૂન 2006 દરમિયાન કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જે દરિમયાન 14 ઓગસ્ટ 2003ના રોજ ભુજના સંજય છોટાલાલ શાહે રેવન્યૂ સર્વે નંબર 709 પૈકીની 5 એકર 38 ગુંઠા ખેતીની જમીન ખરીદી હતી. આ ખેતરના માલિક વાસુદેવ ઠક્કર અને કુંજલતાબેન ઠક્કર હતા અને તેમના પાવરદાર રાજેશ ઠક્કર પાસેથી સંજયે જમીન ખરીદી હતી. આ જમીનને અડીને ભુજના સરકારી ખરાબા (ટ્રાવર્સ નંબર 870)ની 1.38 એકર જમીન આવેલી હતી.
- સંજયે ખાનગી માલિકીની ખરીદેલી ખેતીની જમીનની નોંધ 30મી ઓક્ટોબર 2003ના રોજ પ્રમાણિત થયાનાં પાંચ દિવસ બાદ સરકારી ખરાબાની 1.38 એકર જમીનની લાગુની જમીન' તરીકે લેખિત માંગણી કરી હતી. સંજ્ય શાહની માંગણી મુજબ મામલતદારે હકારાત્મક દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેક્ટરને મોકલી આપી હતી. નાયબ કલેક્ટરે ભુજ વિસ્તાર વિકાસ મંડળના અભિપ્રાય સાથે હકારાત્મક દરખાસ્ત 1લી જાન્યુઆરી 2004ના રોજ કલેક્ટરને મોકલી હતી.
- સરકારી ખરાબાની જમીનની દરખાસ્તમાં પ્લાનીંગ આસિસ્ટન્ટે સરકારી ખરાબાની જમીનના પ્રતિ ચોરસ મીટરે 95 રૂપિયાના અંદાજેલા ભાવને નગર નિયોજકે નજરઅંદાજ કરી પ્રતિ ચોરસ મીટરે 86 રૂપિયા અંદાજેલા તે આકારણી પત્રક પણ સામેલ હતું. જ્યારે 9મી એપ્રિલ 2004ના રોજ કલેક્ટર શર્માના અધ્યક્ષતામાં મળેલી જમીન મૂલ્યાંકન સમિતિની બેઠકમાં પ્રદીપ શર્માએ સંજ્ય શાહને સરકારી જમીન લાગુની જમીન તરીકે મંજૂર કરી આપતો હુકમ કર્યો હતો. આ બેઠકમાં સમિતિના સદસ્ય તરીકે નિવાસી નાયબ કલેક્ટર અને નગર નિયોજક પણ હાજર હતાં.
- કલેક્ટર પ્રદીપ શર્માએ મંજૂર કરેલી જમીનની નોંધ 4 ઓકટોબર 2004 ના રોજ પ્રમાણિત થયાના 1 મહિના બાદ સંજ્ય શાહે તમામ 7.36 એકર જમીન રહેણાંક હેતુ બિનખેતીમાં ફેરવવા મંજૂરી માંગી હતી. જમીન મૂલ્યાંકન સમિતિની બેઠકમાં સંજય શાહને સરકારી ખરાબાની જમીન લાગુની જમીન ચાર શરતો સાથે ફાળવવામાં આવી હતી. સંજય શાહે રહેણાક માટે જમીન માંગતા એટલે કે બિનખેતીની મંજૂરી માંગતા તેણે શરતો પૈકી શરતોનો ભંગ થતો હોવા છતાં કલેકટર પ્રદીપ શર્માએ શરતભંગ બદલ જમીનને સરકાર પરત દાખલ કરવાના બદલે 7.07 એકર જમીન સંજય શાહ પાસે 6.78 લાખ રૂપિયા ભરાવી બિનખેતી કરવાનો 14મી માર્ચ 2005ના રોજ હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં આ જમીનની બજાર કિંમત 19 કરોડ રૂપિયા થતી હોવાનું મામલતદાર દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
- સંજય શાહને સરકારી ખરાબાની જમીન લાગુની જમીન તરીકે મંજૂર કરતી વખતે કલેકટર પ્રદીપ શર્મા અને નાયબ કલેક્ટરે ગુજરાત સરકારના મહેસુલ વિભાગના 1997ના ઠરાવ મુજબ 3 શરતને નજરઅંદાજ કર્યા હોવાનો આરોપ મામલતદારે ફરિયાદમાં કર્યો છે. શરતોની વાત કરવામાં આવે તો ઠરાવની શરત નંબર 2 મુજબ જો બે એકરથી ઓછી ટૂકડા પ્રકારની સરકારી ખરાબાની જમીન હોય તો તેનો પડતર જમીન તરીકે નિકાલ ક૨વાનો રહે છે. ઉપરાંત શરત નંબર 6 મુજબ જો નેશનલ હાઈવેથી 2 કિલોમીટ૨, સ્ટેટ હાઈવેથી 1 કિલોમીટર અને જિલ્લા માર્ગથી અડધો કિલોમીટરના અંતરમાં આવી જમીન આવેલી હોય તો તે જમીન ફાળવી શકાશે નહીં. તો શરત નંબર 7 મુજબ શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ, જીઆઈડીસી, ઔદ્યોગિક ઝોન યા જિલ્લાના મુખ્ય વિસ્તારમાં આવી ખરાબાની જમીન હોય અને ભવિષ્યમાં તેને બિનખેતીમાં રૂપાંતરિત ક૨વાની શક્યતા જણાતી હોય અથવા તો ઉદ્યોગ માટે અનુકૂળ હોય તો તેવી જમીન ફાળવી ના શકાય તેવી શરતો કરવામાં આવેલ હતી.
- આ ઉપરાંત સરકારી ખરાબાને લાગુની જમીન તરીકે ફાળવતી વખતે આસપાસના એકથી દોઢ કિલોમીટર ત્રિજ્યાની સરખામણીના પાંચ વર્ષના જમીન વેચાણોના ભાવનું મૂલ્યાંકન કરવું પડે છે માત્ર એટલું જ નહીં પરંતુ જમીનને અડીને નેશનલ કે સ્ટેટ હાઈવે યા શહેરનો મુખ્ય માર્ગ હોય તો 25થી 30 ટકા વધુ ભાવ ઠરાવવાની પણ જોગવાઈ છે. માટે ક્લેક્ટર પ્રદીપ શર્માએ સરકારી જમીનના કસ્ટોડિયન તરીકે નિયમ મુજબ ફરજ બજાવવાના બદલે લાભ લેવાના હેતુથી પોતાની સત્તા ના હોવા છતાં અપ્રામાણિકપણે વર્તી અને હોદ્દાનો ઉપયોગ કરીને જમીન ફાળવી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ: પ્રાથમિક દ્રષ્ટિએ સરકારને આર્થિક નુકશાન પહોંચાડી, આ કામના જણાવેલ ત્રણેય આરોપીઓએ તથા તપાસમાં જે નીકળે તેઓએ ગુનો કરવામાં એકબીજાને મદદ કરેલ હોઇ તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા, નાયબ કલેકટર અને જમીનની લે-વેચ કરનારા સંજય શાહ સામે ફરિયાદ નોંધાઈ છે.
પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ ગુના: ઉલ્લેખનીય છે કે પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે અગાઉ છ માસ પહેલા ગાંધીધામના ચુડવા ગામની રોડને અડીને આવેલી જમીન પરના કથિત દબાણને નિયમભંગ કરી નિયમિત કરી આપ્યા હોવાની સીઆઈડીમાં ફરિયાદ નોંધાઈ હતી. તો કચ્છમાં ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં જથ્થાબંધ બજારના નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીનમાં સરકારી નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદો બાદ અંજાર નજીક વેલસ્પન કંપનીને બજાર મૂલ્ય કરતાં ઓછાં દરે જમીન બિન ખેતી કરી આપવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભુજની પાલારા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોન વાપરવા બદલ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.