કચ્છ: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે મંગળવારે મુંદ્રા શહેરના જેરામસર તળાવામાં પૂજનનું નાળિયેર લેવા તળાવમાં કુદેલા એક યુવાનનું ડુબી જવાથી મોત થયું છે. તળાવના પૂજન બાદ પધરાવેલું નાળિયેર તળાવમાંથી લેવા જતાં સમયે આ ઘટના બની હતી. અધિકારીઓ અને ધારાસભ્યની ઉપસ્થિતીમાં બનેલી આ દુઘર્ટના અંગે કોંગ્રેસે તપાસની માગ કરી છે.

છેલ્લા બે દિવસથી કચ્છમાં મુશળધાર વરસાદને પગલે જિલ્લાના અનેક નદી નાળા, તળાવ અને ડેમ છલકાઈ ગયા છે. મુંદ્રાનું જેરામસર તળાવ વર્ષો બાદ સોમવારે છલકાયુ હતું. મંગળવાર સવારે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સરપંચ ધર્મેન્દ્ર જેસર સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં આ તળાવનું પૂજન કરવામાં આવ્યું હતું.

તળાવના વધામણા સાથે પૂજનનું નાળિયેર તળાવમાં પધરાવવામાં આવે છે. જેને સાહસીક યુવાન તળાવમાંથી લઈને આવે છે. તળાવ ની પૂજા વિધિ બાદ આ નાળિયેરને લેવા માટે 3 યુવાનોએ તળાવમાં જંપલાવ્યું હતું.
તળાવના સામેપારથી કુદીને નાળિયેર લેવાનો પ્રયાસ કરનારા આ યુવાનો પૈકી એક યુવાન તળાવના પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના અન્ય યુવાનોએ તળાવમાં લાપતા યુવાનની વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. સવારથી લાપતા થયેલા યુવાનનો મૃતદેહ બપોરે મળી આવ્યો હતો.
આ ઘટનાને પગલે કોંગ્રેસના શકિતસિંહ ગોહિલે આ મુદે ટ્વીટ કરીને તંત્રના અધિકારીઓ અને ધારાસભ્યની ઉપસ્થિતીમા કોઈ જ સાવચેતી વગર તળાવમાંથી તરીને નાળિયેર બહાર કાઢવાની આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવાની માગ કરી હતી.