કચ્છ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 શિખર સંમેલનમાં આયોજિત ભારત મંડપમમાં દેશભરના વિવિધ કલા કારીગરોના આર્ટ પીસ જોવા માટે પહોંચ્યા હતા. કચ્છી માટીના વિવિધ નમૂનાઓ સાથે મડવર્કની કળા પ્રદર્શિત કરતાં કચ્છના બન્નીના સિણીયારો ગામના મડવર્કના કસબી માજીખાન મુતવાને જોતા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુરથી જ તેમને કચ્છી ભાષામાં પૂછ્યું હતું કે ‘કચ્છી માડુ કી અયો?’ જેનું ગુજરાતીમાં ભાષાંતર થાય છે કે કચ્છી માણસ કેમ છો.
'હું એક એવા વિસ્તારમાંથી આવું છું કે જ્યાં ભારતની વસ્તી પૂર્ણ થઈ જાય છે. એટલે કે સરહદી જિલ્લા કચ્છના બન્ની વિસ્તારના સિણીયારો ગામથી હું આવું છું. આ કળા એક ટ્રેડિશનલ કળા છે. જે 350 વર્ષ જેટલી જૂની છે.' -માજીખાન મુતવા, મડવર્ક કારીગર, કચ્છ
વડાપ્રધાને લીધી કચ્છી કારીગરના સ્ટોલની મુલાકાત: દિલ્હી ખાતે આયોજિત G-20 સમિટમાં વડાપ્રધાને ‘ભારતમંડપમ્’ના વિવિધ સ્ટોલની રૂબરૂ મુલાકાત લીધી હતી. કચ્છના મડવર્કના કારીગર અને બન્ની વિસ્તારના સિણીયારોવાસી માજીખાન મુતવા મડવર્કની ફ્રેમ જેના પર ‘નરેન્દ્ર મોદી-પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા’ લખવામાં આવ્યું હતું. તે તૈયાર કરીને લઇ ગયા હતા. એ ફ્રેમ જોઈ વડાપ્રધાને કારીગર માજીખાન મુતવા સાથે કચ્છીમાં જ હાલચાલ પૂછ્યા અને ફ્રેમ નિહાળી તેને પરત રાખી હતી અને ત્યાં કોઈ પણ ભેટ સ્વીકારી ન હતી.
વિદેશી મહેમાનોને આ કળા ખૂબ પસંદ આવી: કચ્છની મડવર્ક કળા ધીરે ધીરે પ્રખ્યાત થતી ગઈ અને તેમાં કરેલ મિરર વર્કને લીધે તે વધુ આકર્ષિત બનતી ગઈ હતી. કારીગરોએ લાકડાના તથા એમ.ડી.એફ ના ટુકડા પર માટીની વિવિધ ડિઝાઇન તૈયાર કરીને વિવિધ આર્ટ પીસ બનાવવામાં આવી રહ્યા છે. આ કળામાં મુખ્ય આકર્ષણ તેના પર કરેલું મિરર વર્ક છે. અહીં G20 સમિટમાં આવેલા વિદેશી મહેમાનોને આ કળા ખૂબ પસંદ આવી રહી છે. તો આ કળા પાછળની જે કહાની છે તે પણ લોકોને પસંદ આવી રહી છે.
સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા: માજીખાન મુતવાએ તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં પણ પોતાની કળાના કામણ પાથર્યા હતા. માજીખાન મુતવા એક સમયે બેંકના ATM પર સિક્યુરીટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હતા. નોકરી દરમિયાન એક કલાકાર તરફથી પ્રેરણા મળતા તેઓને કળા કારીગરીમાં રસ જાગ્યો હતો. અને ત્યાર બાદ તેમને કલાને રોજગારીના વિકલ્પ તરીકે વર્ષ 2013માં સ્વીકારી હતી. શરૂઆતમાં તેમને ઘણો સંઘર્ષ કર્યો હતો અને અનેકવાર તેમને નિષ્ફળતા પણ મળી હતી. હિંમત હાર્યા વિના મનોબળ મજબૂત કરીને અન્ય કારીગરોના સંપર્કમાં આવ્યા અને ત્યાર બાદ તેમને ધીમે ધીમે કામ મળતું ગયું.
રાષ્ટ્રપતિ ભવનની નવી ગેલેરીમાં પોતાની કળા: કચ્છના કારીગર માજીખાન મુતવાને એમેઝોન જેવા પ્લેટફોર્મનો પણ સારો સહયોગ મળ્યો તો આ ઉપરાંત ગુગલની નેશનલ મીટ માટે પણ તેમને આમંત્રણ મળ્યું હતું. તો હાલમાં જ તેઓ કારીગર ક્લિનિક સાથે જોડાયા ત્યારે પોતાની આવડત દ્વારા ગોલ્ડ એવોર્ડ જીત્યો હતો. આ ક્લાકારને જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં નિર્માણ પામેલ નવી ગેલેરીમાં કામ કરવા માટે પણ આમંત્રણ મળ્યું હતું.
350 વર્ષ જૂની ચીકણી માટીની કળાને વૈશ્વિક દરજ્જો: કચ્છના છેવાડાના ગામમાં કારીગર માજીખાન મુતવા દરેક પ્રકારની સુવિધાના અભાવે પોતાની તાકાત બનાવે છે. મજબૂત ઈરાદા સાથે કેવી રીતે આગળ વધી શકાય તે શીખવે છે. આ G20 સમિટમાં વિવિધ 20થી વધુ વિદેશીઓએ કચ્છની, ભારતની આ કળા નિહાળી અને ખરીદી એનું એક અનોખો ગર્વ પણ માજીખાન મુતવાને છે. તો કચ્છની 350 વર્ષ જૂની તળાવની ચિકણી માટીની કળાને પણ વૈશ્વિક દરજ્જો મળ્યો છે જે કચ્છ માટે પણ ગૌરવની વાત છે.