કચ્છ : રોગાન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ આર્ટ કૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનને ભેટ (PM Modi Gives Kutchi Rogan Kala Gift PM of Japan) સ્વરૂપે આપી હતી. આ પૂર્વે નરેન્દ્રમોદીએ ડેનમાર્કની રાણીને પણ કચ્છી રોગાન કળા સાથેની સોગાદ આપી હતી. આમ એક મહિનામાં બીજીવાર કચ્છી રોગાન કળા વિશ્વ સ્તરે ચમકી છે.
કચ્છી રોગાન કળા વિશ્વ સ્તરે ચમકી : કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો અહીં વસવાટ કરે છે અને પોતાની રોજીરોટી મેળવે છે. ફેશનેબલ વસ્ત્રો પર પણ હવે રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે. આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે.
આ પણ વાંચો: National Kamala Devi Award 2021: રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર 2021 માટે કચ્છના 4 કારીગરોએ મેદાન માર્યું
PM મોદીએ ડેનમાર્કની રાણીને આપી હતી ભેટ : જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન Fumio Kishidaને કચ્છના રોગાન આર્ટની કૃતિ ભેટ સ્વરૂપે આપ્યું હતું. જાપાનના વડાપ્રધાનને ભેટમાં આપવામાં આવેલ રોગાન આર્ટની કૃતિ કચ્છના નીરોણાના રોગાન આર્ટિસ્ટ મોહમદ રીઝવાન ખત્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
રોગાનકલામાં એક નવો અધ્યાયનો ઉમેરો થયો : નખત્રાણા તાલુકાના નિરોણા ગામ રાજાશાહી જમાનામાં માત્ર અમુક જ જ્ઞાતિની મહિલાઓના પહેરવેશ પર જ જોવા મળતો છાપકામ (રોગાન) કસબ પાછળથીએ જ્ઞાતિઓમાં રોગાનકૃત વસ્ત્રોનું ચલણ બંધ થતાં કસબ પડી ભાંગ્યો હતો. તેમ છતાં આ કસબના કારીગરોએ મહામહેનતે તેને કલામાં રૂપાંતરિત કરી તેમાં સમયની માંગ અનુરૂપ બદલાવની મહેનત આખરે રંગ લાવી અને આ કસબ ભારે ફૂલ્યો ફાલ્યો. જ્યારે એ જ કલા સાથે સંકળાયેલો એક પરિવાર આ કલાને મૂકી દીધા બાદ છેલ્લા એક દાયકાથી પુન: પોતાના વારસાગત હસ્તકલાને હસ્તગત કરી પોતાની જૂની પેઢીઓના રાહે હવે વસ્ત્રો પર પોતાની કળા કરતાં રોગાનકલામાં એક નવો અધ્યાયનો ઉમેરો થયો છે.
એક નવું ટ્રેન્ડ રોગાનકલામાં શરૂ કર્યું : રોગાન આર્ટ કે જેમાં બારીકાઇથી કંડારવામાં આવેલી રોગાનની કૃતિઓ દેશમાં જ નહીં સાત સમંદર પાર પહોંચી છે. છેક અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી આ કલાના પગરણ થતાં રોગાનના રંગોથી ગોરા લોકો પ્રભાવિત થયા. લુપ્ત થતી આ કળાને પુન: જીવંત કરવા અહીંના કારીગરોએ મનમાં ગાંઠ વાળી છે.
પહેલા કોટન કાપડ પર કળા હતી સીમિત : રોગાન આર્ટની આમ તો રોગાનની કૃતિઓ અગાઉ માત્ર કોટન (સૂતરાઉ) કાપડ પર જ સીમિત હતી, પરંતુ હવે રેશમ પર પણ રોગાન કલાના રંગો કામણ પાથરતાં ખાસ કરીને રેશ્મી રંગબેરંગી સાડીઓ, કુર્તા, દુપટ્ટા, બ્લાઉઝ, ચણિયાચોળી, હાથ રૂમાલ જેવા નારી વસ્ત્રોને કલાથી સુસજ્જ થઇ રહ્યા છે. તો વળી પુરુષોના વસ્ત્રો પર પણ રોગાનના રંગોથી રંગતા પહેલ કરી છે. હાલ ફેશન યુગમાં જીન્સ પેન્ટનો વહીવટ ખૂબ જ વધ્યો છે, ત્યારે જીન્સ પેન્ટના બંને ઘૂંટણ ઉપરના ભાગ પર રોગાન કલાના ખાસ ઝુમખાએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
રોગાનકલાએ વસ્ત્ર કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર છે આધારિત : પર્સિયાની 4 સદી જેટલી જૂની રોગાનકલાનો કમાલ કરતા મોહમદ રીઝવાન ખત્રીને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. રોગાનકલાએ વસ્ત્ર કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર જ આધારિત છે. મોહમદ રીઝવાન ખત્રી દ્વારા બનાવાયેલ જે રોગાન આર્ટ કૃતિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનને ભેટ સ્વરૂપે આપી છે તેની કિંમત 10,000 રૂપિયા છે.
2001માં પુન: રોગાનકલાને જીવંત કરાઈ : ખત્રી સમુદાયના કસબીઓ સ્થાનિક પશુપાલકનાં વસ્ત્રો માટે રોગાનકામ કરતા, પરંતુ સમય જતાં મશીનથી બનતાં વસ્ત્રો વધુ પરવડે તેવા વિકલ્પ રૂપે મળી જવાથી ખત્રી યુવાનોને આ કલામાંથી રસ સાવ ઊડી ગયો હતો. 2001બાદ પુન: રોગાનકલાને જીવંત કરવામાં આવી હતી. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાનને કચ્છી કસબીની આ કલાકૃતિ ભેટ સ્વરૂપે આપી હતી.
મહાનુભાવોને હવે કચ્છની કળા ભેટ સ્વરૂપે અપાય છે : 2019 બાદ ગુજરાતમાં જે કોઈ અન્ય દેશના રાષ્ટ્રપતિ કે અન્ય VIP લોકો આવે છે, ત્યારે અને જ્યારે મોદીજી અન્ય દેશના પ્રવાસે જાય છે, ત્યારે સન્માન તથા ભેટ સ્વરૂપે કચ્છની કલાકૃતિ આપવામાં આવે છે. જે કચ્છ માટે ગૌરવની વાત છે.