ભુજના સર્કિટ હાઉસમાં આજે નવનિર્મિત ચાર રૂમનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા વાસણભાઇ આહિરને બંધબારણે ડૉ. નીમાબેન આચાર્ય અને ભાજપના આગેવાન દિલીપ ત્રિવેદી સાથે એક બેઠક યોજી હતી. સમારોહ પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ અને તંત્રના અધિકારીઓને બહાર મોકલી દેવાયા હતા અને બંધબારણે બેઠક યોજાઈ હતી. જાણકારો એવું કહી રહ્યા છે કે, આ બેઠકમાં ભુજ અને અંજાર તાલુકા અને શહેરના મંડળોની રચના થવાની છે, તેને લઈ કોઈ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
કચ્છના રાજકારણને દૈનિક રીતે મૂલ્યાંકિત કરતા જાણકારોના કહેવા મુજબ પ્રધાન વાસણભાઈઆહિર ભુજ અંજાર અને ગાંધીધામના સ્થાનિક રાજકારણમાં પણ અંગત રસ ધરાવે છે. એ બાબત પણ સર્વવિદિત છે કે, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય અને વાસણભાઈ આહિર વચ્ચે જૂથબંધી હોવાનું ગણવામાં આવે છે.
આ વચ્ચે ભુજ અને અંજારમાં પદાધિકારીઓની વરણીમાં જૂથબંધી અને નારાજગી દૂર કરી બંને જૂથ કાર્યકર્તાઓને સાચવી લેવાય તેવી રણનીતિની ચર્ચા આ બેઠકમાં કરાઈ હોવાનું જાણવા મળે છે, એવું કહેવાય છે કે, ભાજપના આગેવાન નેતા દિલિપ ત્રિવેદી પ્રદેશ સંગઠન સાથે સાથે સીધો જો સંપર્ક ધરાવતા હોવાથી તેમની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની ગઈ છે.
જો કે, આ બેઠકમાં કચ્છ ભાજપના જિલ્લા સંગઠનના એક પણ અગ્રણી ઉપસ્થિત નહોતા. હવે જોવાનું એ રહે છે કે, આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ગણતરી પ્રમાણે ભાજપના સંગઠન ની પુનઃ રચના થાય છે કે, જિલ્લા ભાજપના આગેવાનોના હાથ અધ્ધર રહે છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત સમયે ધારાસભ્ય નિમાબેન આચાર્યનો ભલામણ કરતો એક પત્ર પણ વાયરલ થયો હતો. જૂથબંધી અને એકબીજાના ટાંટિયાખેંચ વચ્ચે મહત્વના એવા ભુજ અંજારના સંગઠનમાં કોનો હાથ ઉપર રહે છે, તે જોવાનું રહેશે.
રાજકીય વિશ્લેષકોના કહેવા મુજબ કચ્છ ભાજપમાં હાલ જે જિલ્લા સંગઠનના અધિકારીઓ છે તેઓ અને પ્રદેશ ભાજપ સાથે સીધો સંપર્ક ધરાવતા નેતાઓ વચ્ચે જૂથબંધી ચરમસીમાએ છે આ વચ્ચે સંગઠન સંરચનાની કામગીરીમાં બંને જૂથમાંથી કોનો હાથ ઉપર રહે છે તે મહત્વપૂર્ણ છે અને આ જૂથબંધીના પરિણામે જ આજની બેઠક પણ યોજાઈ હતી તેવું ગણિત માંડવામાં આવી રહ્યું છે.