કચ્છ : ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને મોટાપાયે કેરીના પાકમાં નુકસાન થયેલું છે. ભુજ તાલુકાના ગડા ગામ પાસે આવેલા બાગાયતી ખેતી કરતા કેરીના બગીચાઓમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી હતી. તેમજ ભુજના કેટલાક વિસ્તારોમાં કરા, વરસાદ અને વેગીલા પવન ફુકાતા ખેડૂતોને પાકને લઈને નુકસાન પહોંચ્યું છે. જેને લઈને જગતાતને હવે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની ચિંતા, વ્યથાને ઉપાદી : માધાપર નજીકના ગડા ગામ ખાતે કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને મોટાપાયે કેરીના પાકમાં નુકસાન થયું હતું. જ્યારે આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કચ્છની કેસર કેરીની માંગ દેશ વિદેશમાં રહેતી હોય છે. વર્ષમાં એક વખત આવતા પાક થકી ખેડૂતોની કમાણી થતી હોય છે, પરંતુ ગત વર્ષે પણ કમોસમી માવઠા અને કરાના કારણે 50 ટકા જેટલો ઉત્પાદન આવ્યું હતું, ત્યારે આ વર્ષે ફરી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
![આંબેથી કેરીઓ પડી નીચે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18034697_2.jpg)
બજારમાં સારા વળતરની આશા : ખેડૂત અગ્રણી હરજી વોરાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 50 વર્ષથી ખેતી કરે છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું આવ્યું હતું. તેમાંયે આ કરા સાથેનું માવઠું ખેડૂતોને પાયમાલી કરી છે. ગયા વર્ષે પણ આંબાનો પાક ઓછો ઉતર્યો હતો. કેરીના પાકમાં માંડ 10 ટકા જેટલું જ પાક બચ્યું છે. એમાંથી પણ જો આગામી સમયમાં વરસાદ પડશે તો બાકીનો પાક પણ ખરી પડશે. જો સરકાર સર્વે કરીને કંઈ યોગ્ય વળતર આપે તો ખેડૂતોને કંઈ ફાયદો થાય, નહીં તો આંબાના ઝાડ ઉખેડી કાઢવા પડશે. કેરીના મોર સારા આવ્યા હતા અને આ વર્ષે બજારમાં સારા વળતરની આશા હતી. પરંતુ કરા પડતાં આશા પર પાણી ફરી વળ્યું છે.
કેટલા ટકા પાક ખરી ગયો : અન્ય ખેડૂત કાનજી ગાગલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે ઘઉં, કેરી, એરંડો, શાકભાજી અને ઘાસચારો બધા પાકોમાં નુકસાની થઈ છે. કેરીના પાકમાં વાર્ષિક એક જ વખત ફાલ આવતો હોય છે, ત્યારે આ વર્ષે ખૂબ ફાલ લાગ્યો હતો. એ જોઈને આશા હતી કે, સારા પ્રમાણમાં વળતર મળશે અને સારી કમાણી થશે. પરંતુ બે દિવસથી કમોસમી માવઠાને લીધે 10 ટકા જેટલું ઉત્પાદન જ બચ્યું છે. 90 ટકા જેટલો માલ ખરી ગયું છે. આ બચેલો માલ પણ પાકતા 2થી 2.5 મહિના લાગશે.
આ પણ વાંચો : Gir Mango: વાતાવરણની પ્રતિકૂળતા કેરીની મીઠાશ પર, ઉત્પાદન ઘટવાની સાથે ભાવમાં વધારાની શક્યતા
ખેડૂતો ખેતી છોડવા મજબૂર બનશે : ખેડૂતો 700-800 ફૂટ નીચેથી પાણી ખેંચી મોંઘી દવાઓ લઇને પાકનું વાવેતર કરતા હોય છે. આ રીતે માવઠું આવતું હોય છે, ત્યારે આ ખૂબ મોટું નુકસાન છે જો આ રીતે જ ચાલતું રહ્યું તો ખેડૂતો ખેતી છોડવા મજબૂર બનશે. જો કોઈ વળતર ન મળતું હોય તો ખેડૂતોને ઝાડ પણ કાઢી નાખવા પડશે. જો સરકાર કોઈ સહાય જાહેર નહીં કરે તો કચ્છમાં ખેતી અને પશુપાલન ભાંગી પડશે.
આ પણ વાંચો : Junagadh Mango: ભેજ-તડકો, ઠંડી અને ઠાર કેરીની નવી સિઝનનું ભવિષ્ય નક્કી કરશે
બજારમાં મોંઘા ભાવે કેરીઓ વહેંચાશે : ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છનો ખેડૂત મહેનતુ છે અને સારા ઉત્પાદન માટે ખૂબ મહેનત કરે છે. પાક મેળવવા માટે જાન લગાડી દે છે અને ખૂબ ખર્ચો કરે છે. પરંતુ કુદરત જ્યારે આ રીતે રૂઠી હોય છે. ત્યારે ખેડૂતના પાકો ખરી જતા હોય છે. કચ્છની માત્ર કેરી નહીં પરંતુ દાડમ, ડ્રેગન ફ્રૂટ, ખારેક વિદેશોમાં પ્રખ્યાત છે અને આ વર્ષે માલના હોવાના કારણે બજારમાં મોંઘા ભાવે કેરીઓ વહેંચાશે.