મેળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, પુના, સુરત, વાગડ, દક્ષિણ ગુજરાત, અમદાવાદ, ઉતર ગુજરાત, ખડીર, હાલાર સહિતના વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. તો અનેક પદયાત્રીઓ રાપર, ભુજ, ભચાઉ, સામખીયારી, રામવાવ, સુવઇ સહિતના વિસ્તારમાંથી આવતા જોવા મળ્યા હતાં. પદયાત્રીઓ માટે સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેળામાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાં, ચકડોળ, વહાણ, જાદુગર, મોતનો કુવો, ઉડતી રકાબી સહિતના અનેક સ્થળોએ લોકો મહાલતા હતાં. તો મેળા દરમિયાન આવતા યાત્રિકો માટે માતૃશ્રી કાનુબેન સેજપાર પારેખ પરિવાર દ્વારા છેલ્લા વીસ વર્ષથી ઠંડી છાસ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ આયોજનમાં ધીરજલાલ પારેખ, રવિલાલ પારેખ, ઠાકરસી પારેખ સહિતના સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મેળા દરમિયાન એસ.ટી વિભાગ દ્વારા 34 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં વિભાગીય નિયામક જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર ડેપો મેનેજર વિશાલ ગોહિલે સમગ્ર દેખરેખ રાખી હતી. મેળો માહોલવા માટે વિદેશી નાગરિકો ફ્રાન્સ, યુ. કે, કેનેડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. મેળા દરમિયાન વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. આ વર્ષે મેધરાજા એ વાગડમા લહેર કરી દીધી છે એટલે જ મેળાની રંગત જામી હતી.