કચ્છ : અંજારમાં બારે મેઘ ખાંગા થયા હતા. આજે સવારથી સાંજ સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગઈકાલથી આજના સાંજના 6 વાગ્યા સુધી 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે શહેરમાં ભારે પાણી ભરાયા હતા.
અંજારમાં બે કલાકમાં 7 ઇંચ વરસાદ : જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ અંજાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તો ગાંધીધામમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભચાઉમાં 2 ઇંચ તો ભુજ-મુન્દ્રમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો અંજારના મોડવદર ગામની નદી બે કાંઠે વહી હતી. જેમાં શ્રમિકોને લઈ જતો છકડો પાણીના પ્રવાહમાં ફસાયો હતો. પુરજોશ પાણી વચ્ચે છકડો પસાર કરવાનો પ્રયાસ જોખમી બન્યો હતો. જોકે સદનસીબે તમામનો બચાવ કરી લેવાયો હતો. જેમાં આસપાસના લોકોએ દોરડા વડે શ્રમિકોને બચાવ્યા હતા.
ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસ્યો : અંજાર કંડલા વચ્ચેના વૈકલ્પિક મોડવદર માર્ગ પર સર્જાયો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તો બીજી બાજુ ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી કરીને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. દબાણ અને વરસાદી નાળાની સફાઈ ન હોવાથી મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું લોકોએ જણાવ્યું હતું. બપોરે 1:30 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો.
યુવકે દેશી બોટિંગની મજા માણી : બીજી તરફ ભુજ-ભચાઉ હાઇવે પર પણ ધાણેટી નજીક પાણી ભરાયા હતા. સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હતો. ભુજ અંજાર હાઇવે પર પણ નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં રસ્તો ક્રોસ કરતી વેળાએ ધસમસતા પ્રવાહમાં બાઈક તણાઇ હતી. જેને સ્થાનિકોએ મહા મહેનતે બહાર કાઢી હતી. તો ધોધમાર વરસી રહેલા વરસાદ વચ્ચે સ્થાનીક લોકોએ આંનદ લીધો હતો. જેમાં ગાંધીધામના ભારતનગરનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં સોસાયટીમા ભરાયેલા પાણી વચ્ચે યુવકે દેશી બોટિંગની મજા માણી હતી.
અંજારમાં 9 લોકો બોલેરો સાથે પાણીમાં ફસાયા : અંજારના મોડવદરમાં 9 લોકો બોલેરો સાથે ધસમસતા પાણીમાં ફસાયા હતા. બોલેરો વહેતા પાણીમા નદીની વચ્ચોવચ બંધ પડી ગઈ હતી. તેમાં ફસાયેલા લોકોને ટ્રક વડે સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું હતું. તો વહેતા પાણીમાં ટ્રક મોકલીને લોકોને સલામત રીતે બહાર કઢાયા હતા. ફાયર બ્રિગેડની ટિમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગામના સરપંચ શંભુ આહીર સહિત ગામના લોકો મદદે આવ્યા હતા અને સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ક્યા કેટલો વરસાદ : અંજાર 233 MM, અબડાસા 06 MM, ગાંધીધામ 113 MM, નખત્રાણા 03 MM, ભચાઉ 54 MM, ભુજ 23 MM, મુન્દ્રા 26 MM, માંડવી 06MM, રાપર 05 MM અને લખપત 00 MM વરસાદ નોંધાયો છે.