કચ્છ : જિલ્લામાં સતત 4 દિવસ વરસાદ વરસતા જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો ડેમ અને તળાવમાં નવા નીરની આવક થઈ હતી. જેમાં કચ્છનો જીવાદોરી સમાન અંજાર તાલુકામાં આવેલો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતાં ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો : કચ્છમાં નાની સિંચાઇ અને મધ્યમ સિંચાઇ યોજના એમ બે પ્રકારની સિંચાઇ યોજના કાર્યરત છે. જે અંતર્ગત નાની સિંચાઇ યોજનાના 180 ડેમ છે, તો મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમ છે. મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે અને તે પાણી પુરવઠા હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો અનગેટેડ સ્કીમ છે.
5 ડેમો ઓવરફ્લો થયા : મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો પૈકી હાલમાં 5 ડેમો ઓવરફ્લો થયા છે. જેમાં ગજણસર, ટપ્પર, ડોણ, કાળાઘોઘા, કંકાવટી ડેમનો સમાવેશ થાય છે. ટપ્પર ડેમ છલકાતા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો નદી વિસ્તારમાં ટપ્પર ડેમનું પાણી છોડવામાં આવ્યું છે. જેથી કરીને નદીમાં લોકોને અવરજવર ના કરવા સૂચના અપાઈ છે, ઉલ્લેખનીય છે કે કચ્છના અનેક વિસ્તારમાં ટપ્પર ડેમથી પાણી પૂરુ પાડવામા આવે છે.
80,250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું : કચ્છના અંજાર તાલુકાનો ટપ્પર ડેમ ઓવરફ્લો થતાં 80,250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ટપ્પર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. તો આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો રસ્તા પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
3 જેટલા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં : કચ્છ સિંચાઈ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ જિલ્લાના 5 ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે તો અન્ય 3 જેટલા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. નખત્રાણા તાલુકાનો ગજણસર ડેમ, મુન્દ્રા તાલુકાનો કાળાઘોઘા ડેમ, અબડાસા તાલુકાનો કંકાવટી ડેમ, અંજાર તાલુકાનો ટપ્પર ડેમ, માંડવી તાલુકાનો ડોણ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જ્યારે મુન્દ્રા તાલુકાનો ગજોડ ડેમ, ભુજ તાલુકાનો કાસવટી ડેમ અને અબડાસા તાલુકાનો બેરાચીયા ડેમ ઓવરફ્લો થવાની તૈયારી પર છે.