કચ્છ : સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીએ મધ્યપ્રદેશમાં સ્ટેટ ગેસ્ટ બનીને આદિવાસીઓમાં સમરસતા માટે સ્નેહ યાત્રા યોજી હતી. મધ્યપ્રદેશના 52 જિલ્લા માટે ભારતભરમાંથી 52 સંન્યાસીઓને પસંદ કરવામાં આવ્યા હતા. બધાં સંન્યાસીઓએ 5720 ગામડાઓમાં સ્નેહ યાત્રા કરી. કચ્છમાંથી સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીજીને મધ્યપ્રદેશનો બડવાની જિલ્લો મળ્યો હતો. જેમાં સ્વામીજીને આદિવાસી જનજાતિવાળા ગામડાઓમાં સ્નેહ યાત્રા કરવાની હતી. ગામડાઓમાં જઈને સ્વામીજીએ બધાં સાથે ભોજન કર્યું. ધૂન, સંકીર્તન,નૃત્ય કર્યા. 20,000 જેટલા ભાઈબહેનોને રક્ષા સૂત્ર બાંધ્યું. 11 દિવસ સુધી દરરોજ લોક સંપર્ક માટે ગામમાં કોઈના ઘરે જઈ સમરસતાની વાતો કરવામાં આવી હતી.
11 દિવસમાં 110 ગામમાં સ્નેહયાત્રા કરી હતી. 11 દિવસમાં 35000 જેટલા આદિવાસી જનજાતિને તેઓ મળ્યા હતાં અને 1500 કિલોમીટર જેટલી યાત્રા કરી છે. આ યાત્રા દરમ્યાન મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહચૌહાણ દ્વારા આ 52 સન્યાસીઓ સાથે એક બેઠક પણ યોજાઈ હતી...સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતી
મુખ્ય મેસેજ એક થાલી એક ખ્યાલ : મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સામાજિક સમરસતા અને સદભાવનો સંદેશો જન જન સુધી પહોચાડવા માટે 16 ઓગસ્ટથી 11 દિવસની સ્નેહ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમાં "એક થાલ એક ખ્યાલ" એ મંત્ર દ્વારા મધ્યપ્રદેશનાં બડવાની જિલ્લાનાં કંદરા, જાઈ, આવલી, સાવરીપલાની જેવા અંતરિયાળ ગામોમાં સંદેશો આપતાં સ્વામી પ્રદિપ્તાનંદેએ જણાવ્યું કે સંતનો કોઈ પરિવાર હોતો નથી, પરંતુ સમાજ જ સંતોનો પરિવાર છે, જેથી સંત હંમેશાં સમાજનાં સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે.
લોકોને જાગૃત કરવાનું બીડું : તેમણે 11 દિવસ રાજ્ય સરકારના વિશેષ અતિથિના દરજ્જા તરીકે સ્વામી પ્રદિપ્તાનંદજીએ લોકોને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું હતું. સનાતન સમાજમાંથી જાતિવાદ નાબૂદ કરવાના પ્રયત્ન રૂપે યોજાયેલ આ સ્નેહ યાત્રા કાર્યક્રમ દ્વારા સમાજનો આદિવાસી,વંચિત વર્ગ સમાજના મુખ્ય પ્રવાહમાં સંતોના સ્નેહ દ્વારા આવે એવા રાજ્ય સરકારના પ્રયત્નોમાં સતત અગિયાર દિવસ રાજ્ય સરકારના વિશેષ અતિથિ દરજ્જા તરીકે સ્વામી પ્રદિપ્તાનંદે ગામો ગામ સનાતન ધર્મના લોકોને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું હતું. જે લોકો સમાજથી વંચિત રહ્યા છે. સમાજનાં પ્રવાહમાં પાછળ રહી ગયા છે એવા લોકો સાથે ભોજન લઇ એ પ્રવાહમાં સાથે લેવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આખા કાર્યક્રમનું સંચાલન મધ્યપ્રદેશ જન આયોજન પરિષદને સોંપવામાં આવ્યું હતું. બડવાની જિલ્લાનાં જન આયોજન પરિષદનાં મુખ્ય પ્રતિનિધિ જ્યોતિબેન વર્મા સાથે રહ્યા હતા. જેમણે સ્વામીજી સાથે 11 દિવસ રહીને આખી જિલ્લાની યાત્રાનું આયોજન કર્યું હતું.
સ્ટેટ ગેસ્ટની પદવી : સ્વામીજીને ત્યાં સ્ટેટ ગેસ્ટની પદવી આપવામાં આવી હતી જેને કારણે સ્વામીજીની સિક્યુરિટી માટે પોલીસ ડીપાર્ટમેન્ટનાં 2 વાહન, એમ્બ્યુલન્સ અને 3-4 બીજા વાહનો મળીને 7થી 8 વાહનોનો કાફલો 11 દિવસ સુધી સતત સ્વામીજીની સેવામાં રહ્યા હતો. આ યાત્રાની દિનચર્યામાં સવારે 9 વાગ્યે યાત્રા શરૂ થતી અને રાત્રે 10 વાગ્યે પૂરી થતી હતું. 11 દિવસ સુધી રોજનાં 10 ગામ એવીરીતે 110 ગામમાં આ યાત્રા ફરી હતી.દરેક ગામમાં સ્વામીજીનું ભવ્ય સ્વાગત થયું હતું.આદિવાસી બહેનો દ્વારા ઢોલ નગારા,ફૂલોનો વરસાદ અને કુમકુમ તિલક સાથે સ્વામીજીને આવકાર્યા હતા અને દરેક ગામમાં સ્વામીજીએ સંકીર્તન,ધૂન અને સત્સંગ કરાવ્યો હતો. જેમાં સનાતન ધર્મ અને દેશ ભક્તિની વાતો કરી. ઊંચ નીચ અને છુતાછુતના વિચારોમાંથી મુક્ત થવાનાં રસ્તાઓ સ્વામીજીએ માર્ગદર્શિત કર્યા હતા.
ભગવાન શંકરાચાર્યની પ્રતિમા અનાવરણમાં આમંત્રણ : આ સ્નેહ યાત્રા દરમ્યાન મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આ બાવન સંન્યાસીઓ સાથે એક બેઠક આયોજિત થઈ હતી. જેમાં તેમણે દરેક સન્યાસી મહાત્માઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો અને સંન્યાસીઓના અનુભવોને શાંતિથી સાંભળ્યા હતા. આવનારા દિવસોમાં એટલે કે 18 સપ્ટેમ્બર 2023ના મધ્યપ્રદેશ સરકાર દ્વારા શંકરાચાર્ય ભગવાનની 108 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ ઓમકારેશ્વર નર્મદા કિનારે યોજવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંદર્ભે પણ સ્વામી પ્રદિપ્તાનંદને ત્યાં હાજર રહેવાનું નિમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાત સરકારને રજૂઆત : આવનારા દિવસોમાં સ્વામીજી આ આખા કાર્યક્રમની ડોક્યુમેન્ટ્રી તૈયાર કરીને ગુજરાતનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળવાનું નક્કી કર્યું છે. આવો સ્નેહ યાત્રાનો કાર્યક્રમ ગુજરાતનાં આદિવાસી વંચિત પરિવારો માટે યોજાય તેવો પ્રસ્તાવ ગુજરાત સરકાર સામે મુકવાનાં છે, સ્વામીજીના સરળ અને મિલનસાર સ્વભાવના કારણે જેમ દૂધમાં સાકર ભળે તેમ આદિવાસી પ્રજા સાથે ઓતપ્રોત થઇ ગયા હતા. મધ્યપ્રદેશ સરકારે જે ઉદ્દેશથી સ્વામીજીને ત્યાં બોલાવ્યા હતા તે મુજબ જ સ્વામીજીએ પોતાનાં વક્તવ્યથી અને લોકો સાથે હળીમળીને એ પ્રજાનાં દિલ જીતી લીધા હતાં.