કચ્છ : હાલમાં વરસાદની સિઝન શરૂ થઈ ચૂકી છે અને લોકો વરસાદમાં ગરમાગરમ વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ભુજની શરાફ બજારમાં મિનારા મસ્જિદ પાસે છેલ્લાં 65 વર્ષથી સગડી પર ગરમ ગરમ ભજીયા, બટેટા વડા અને કચ્છી સમોસા બનાવવામાં આવે છે. જેનો સ્વાદ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. 3-4 કલાક પૂરતા મળતા સગડી પર બનતા ભજીયા માટે લોકો અડધો કલાક સુધી રાહ પણ જોવે છે. તો આ સગડી પર બનતા ભજીયાનો સ્વાદ તદ્દન જુદો જ હોય છે.
ભજીયા વગર ચોમાસુ અધૂરું : ચોમાસું અને ભજીયા આ બંને એકબીજાના પર્યાય છે, ચોમાસા વગર ભજીયા અધૂરા અને ભજીયા વગર ચોમાસું અધૂરું છે. ચોમાસું આવતા બટેકા, ડુંગળી, મેથી, દાળ, ભાતના ભજીયા ખૂબ ખવાય છે. ચોમાસામાં ગરમ ગરમ ભજિયા સાથે લીલા મરચાં અને સમોસાનું ચલણ પણ હવે વધી રહ્યું છે.મિનારા મસ્જિદ પાસે ભજીયા બનાવતા પ્રિયેન ગોર પોતે છેલ્લાં 22 વર્ષથી ભજિયાનો વેપાર કરે છે પરંતુ તે અગાઉ તેમના પિતાજી અને દાદાજી આ વેપાર સંભાળતા હતા.
વર્ષ 1958ની અમારી લારીની પહોંચ મારી પાસે પડી છે જે એક પુરાવો છે કે ત્યારથી અમે ભજીયા ભુજની સ્વાદપ્રિય જનતાને પીરસી રહ્યા છીએ. પણ હકીકતમાં તેનાથી પણ અગાઉથી આ વેપાર ચાલતો આવ્યો છે. સાંજના 5થી 8:30 સુધી અહીઁ ગરમાગરમ ભજીયા બનાવવામાં આવે છે. 3 કલાકની અંદર 15 કિલો જેટલા ભજીયા લોકો આરોગી જાય છે. 65 વર્ષથી અહીં ભજીયા બનાવીએ છીએ એટલે દરરોજના ગ્રાહકો પણ બાંધેલા છે એટલે માલ પૂરો થઈ જાય છે...પ્રિયેન ગોર(ભજીયાના વેપારી)
ફોન કરીને ભજીયાનું બુકિંગ : છેલ્લાં અનેક વર્ષોથી અહીં ભજીયા ખાવા માટે આવતા ભૂપેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે હું અહી છેલ્લાં 25-30 વર્ષથી ભજીયા ખાવા અહીઁ આવું છું.અહીંના ભજીયાનો જે સ્વાદ છે તે કોલસાની સગડી પર બનવાના કારણે ઉતમ હોય છે અને મજા આવી જાય છે. અહીં ભજીયા ઝડપથી પૂરા થઈ જાય છે માટે મોટા ભાગે ફોન કરીને મારા માટે ભજીયા અલગથી કઢાવી રાખું છું.
3 કલાકની અંદર 15 કિલો ભજીયાનો વેપાર : પ્રિયેન ગોરે માહિતી આપતા જણાવ્યું હતુ કે સગડી પર બનાવવામાં આવેલ રસોઈનો સ્વાદ જુદો હોય છે. અમારા દ્વારા દાદાના સમયથી જ ભજીયા સગડી પર બનાવવામાં આવી રહ્યા છે. સગડી પર બનાવવામાં આવેલ કોઈ પણ રસોઈ હોય તેનો સ્વાદ ગેસ પર બનાવવામાં આવેલ રસોઈ કરતાં જુદો જ હોય છે. સગડી પર બનતા ભજીયાનો સ્વાદ જુદો હોતા અહીં મોટી સંખ્યમાં લોકો તેનો સ્વાદ માણવા આવે છે. સાથે જ બટેકા વડા, વડાપાઉં, મરચાં પાઉં અને કચ્છી સમોસા પણ લોકો અહીં ખાતા હોય છે.