કચ્છ : પવિત્ર શ્રાવણ માસમાં સર્વત્ર વાતાવરણ શિવમય બની જાય છે. ભુજ શહેરમાં આવેલા અનેક શિવ મંદિરોમાં સત્યનારાયણ મંદિરમાં આવેલ લાખેશ્વર મહાદેવજી મંદિર થોડું વિશેષ છે. લોકશાહી પહેલા જ્યારે કચ્છમાં જાડેજા વંશનું શાસન હતું, ત્યારે આ મંદિરમાં મહાદેવને અભિષેક કરવા માટે ચઢાવવામાં આવતું દૂધ ગરીબોમાં વહેંચવામાં આવતું હતું.
લાખેશ્વર મહાદેવજી મંદિરનો ઇતિહાસ : લાખેશ્વર મહાદેવજી મંદિરના પૂજારી ભાવિન વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે,"લાખેશ્વર મહાદેવજીનું મંદિર ભુજના હમીરસર તળાવ પાસે આવેલા રામ મંદિરની બાજુમાં સત્યનારાયણ મંદિરના સંકુલમાં આવેલું છે. આ મંદિરના સ્થાપનની વાત કરવામાં આવે તો કચ્છ દેશાધિપતિ અને ગૌબ્રાહ્મણ પ્રતિપાલક એવા મહારાઓ ખેંગારજી સવાઈ બહાદુર જી.સી.આઈ.ઈ.ના ધર્મપત્ની ઝાલા જાલમસિંહજી બાપુના કુંવરી દયામૂર્તિ, ચરાડવાવાળા બાશ્રી ગાબા સાહેબજીએ આ મંદિર સ્વ. મહારાજકુમાર શ્રી લખપતજીનાં સ્મર્ણાર્થે નવું બંધાવી પથ્થરોનું અદભુત નકશી કામ કરાવી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શ્રી લાખેશ્વર મહાદેવનું શિવલીંગ પધરાવી પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.
133 વર્ષ જૂનું મંદિર : લાખેશ્વર મહાદેવજીના મંદિરના બહારનાં ભાગે લગાવેલ શિલાલેખનાં આધારે મિતી વૈશાખ સુદ -14, સોમવાર વિ.સં. 1946માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે આજથી 133 વર્ષ પૂર્વે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. સત્યનારાયણ મંદિર સંકુલમાં જૂનામાં જૂનું મંદિર લાખેશ્વર મહાદેવજીનું મંદિર છે ત્યાર બાદ 125 વર્ષ જૂનું સત્યનારાયણ મંદિર છે અને ત્યાર બાદ સૂર્યનારાયણ દેવનું મંદિર છે.
જેમણે આ મંદિર બનાવ્યું તે ગંગાબા સાહેબના અંગત ખર્ચમાંથી દર સોમવારે મહાદેવજીનો લઘુરૂદ્રનું આયોજન થતું ત્રાંબડી ભરીને એટલે કે આશરે 10 લીટર દૂધ તે દિવસે લાખેશ્વર મહાદેવજીને ચડાવવામાં આવતું. તે દૂધનો વ્યય ન થાય તે માટે તે સમયે આજના સમય પ્રમાણે મહાદેવજીને અર્પણ થયેલું દૂધ ગરમ કરી ગરીબ લોકોને બે ફળ સાથે પીવડાવવામાં આવતું હતું...ભાવિન વ્યાસ(લાખેશ્વર મહાદેવજી મંદિરના પૂજારી)
મંદિરની બહાર દેગ ચડતી : પાટોત્સવ તેમજ મહાશિવરાત્રીને દિવસે પણ ગરીબો માટે આયોજન આ ઉપરાંત રાજાશાહી સમયમાં મહાદેવજીના પાટોત્સવ તેમજ મહાશિવરાત્રીને દિવસે પણ ગરીબોને ગરમ દૂધ અને બે ફડ આપવામાં આવતા હતા. તો તેની સાથે મંદિરની બહાર દેગ ચડતી એટલે કે સગડી ચાલુ કરવામાં આવતી હતી. જેમાં ખીચડી, લાપસી, ચણાનું શાક વગેરે વાનગીઓ બનાવી, ગરીબ પ્રજાને ખવડાવવામાં આવતું હતું. આ પ્રસંગે સમસ્ત રાજ પરિવાર મંદિરે આવીને લાખેશ્વર મહાદેવજીના દર્શન કરીને લાભ લેતું હતું.
આઝાદી પછી પરંપરાનો આવ્યો અંત : વર્ષ 1947 સુધી રાજપરિવાર દ્વારા લાખેશ્વર મહાદેવજીના મંદિરની સાર સંભાળ રાખવામાં આવતી હતી. આઝાદી બાદ ધીમે ધીમે આ પ્રથાનો અંત આવ્યો. આજે આ મંદિરની જાગીર કલેકટર હસ્તકનું છે. આજે પણ આ મંદિરના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભકતો આવે છે અને લાખેશ્વર મહાદેવજીના શિવલિંગ પર પાણીની લોટી ચડાવી મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતા હોય છે.