કચ્છ : કચ્છમાં આવેલા 2001ના વિનાશકારી ભૂકંપમાં ભુજમાં અનેક ઈમારતોને નુકશાન થયું હતું. આટલા સમય બાદ પણ જોખમી ઈમારત ન તોડવામાં આવતા ભુજ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ગઈ કાલે જ ભુજના ભાવેશ્વરનગરમાં આવેલી અજાણી ટાવર્સ ઇમારતમાંથી પથ્થર પડ્યા હતાં. ઇમારતના છજાનો ટેકલોક પથ્થરો નીચે પડ્યા હતા જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી. પરંતુ શું કોઈ દુર્ઘટના ઘટે તેની રાહ જોવાઇ રહી છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.
ભૂકંપ પહેલાની બાંધકામની બિલ્ડિંગો આજે છે જર્જરિત : ભુજમાં આવેલ ઇમારત કે જેનું બાંધકામ ભૂકંપ પહેલાંનું છે તે ખૂબ જર્જરિત હાલતમાં છે અને સમયે સમયે આ ઇમારતોના ભાગ નીચે પડે છે. સદનસીબે આવા બનાવોમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઉપરાંત શહેરમાં અનેક ઇમારતો એવી છે જેમાં તિરાડો પડી ગઈ છે. ઉપરાંત કેટલાકના છતના પોપડા પણ ખરી ચૂક્યા છે. તો કચ્છમાં અવારનવાર આવતા ભૂકંપના આંચકાથી બાંધકામ પણ નબળું પડી ગયું છે. ત્યારે તંત્રએ ખરેખર આ ઈમારતોને ઉતારી લેવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ જીવ જોખમમાં ન મુકાય.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને ભલે 22 વર્ષ જેટલો સમય થઇ ગયો હોય પંરતુ આજે ભુજમાં આજેપણ જોખમી ઇમારત ઉભી છે. ભૂકંપ સમયે જર્જરિત થયેલી ઇમારતને તોડી પાડવા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ જોખમી ઇમારત તોડી પાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે અને કોઈ દુર્ઘટનાનાની રાહ જોઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બાબતે મુખ્ય પ્રધાન, કલેક્ટર , નગરપાલિકાના તંત્રને અનેકવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી...મીતેશ શાહ (સામાજિક આગેવાન )
આગામી સમયમાં તોડી પડાશે ઈમારતો : સમગ્ર મામલે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાએે જણાવ્યું હતું કે ભુજ શહેરમાં જોખમી ઇમારતોના વિષય માટે 6 લોકોની એક કમિટી છે આ કમિટી મુજબ ભુજમાં 6 જેટલી બિલ્ડિંગ જર્જરિત છે જે જોખમકારક હોતા તેને તોડવામાં આવશે.
રૂપારેલ એપાર્ટમેન્ટ, ક્રિષ્ના પાર્ક, પારેખ ટાવર્સ ,વિકાસ એપાર્ટમેન્ટ 1 અને શિલાલેખ એપાર્ટમેન્ટ જોખમકારક છે. તો થોડા સમય પહેલા ભુજ નગરપાલિકા દ્વારા સરપટ નાકા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક નામની જોખમી ઈમારત તોડી પાડવામાં આવી છે. જેના ટેન્ડર મારફતે ભુજ નગરપાલિકાને 2.85 લાખની આવક થઈ હતી તો આગામી દિવસોમાં અન્ય જર્જરિત ઈમારત ભુજ નગરપાલિકા દ્વારા તોડવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે...મહીદીપસિંહ જાડેજા (કારોબારી ચેરમેન, ભુજ નગરપાલિકા )
આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ : કચ્છ ભૂકંપ ઝોન ફાઈવમાં આવે છે જેના કારણે કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. જોખમી ઈમારત લઈને અહીંં સવાલ એ વાતે થઇ રહ્યો છે જો કોઈ દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ ? જોખમી ઇમારત ક્યારે તૂટશે ? જોખમી ઈમારત તોડી પાડવાના આદેશને વહીવટીતંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી તે દ્રશ્યો પરથી ભુજ શહેરમાં જોવા મળી રહ્યું છે. ભુજમાં આજે પણ 6 જેટલી જોખમી ઈમારત ઉભી છે. ગઈ કાલે ભાવેશ્વરનગરમાં આવેલ અજાણી ટાવર્સ નામની જોખમી ઈમારતનો કાટમાળ પડતા રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આ જોખમી બિલ્ડીંગ તૂટી પડે તો મોટું નુકશાન થવાની ભીતિ છે. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ આવી ઇમારતોના કાટમાળ તાત્કાલિક નીચે ઉતારી લેવા હિતાવહ છે.