કચ્છ : આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, આયુષની કચેરી, જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા આજે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
આયુષ મેળામાં કરાયું જુદું જુદું આયોજન : ભુજ ખાતે આયોજિત આ આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, કચ્છ જિલ્લામાં નવા બનેલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ, આયુર્વેદની પંચકર્મ સારવારનું લાઈવ ડેમોન્સટ્રેશન તથા રક્તમોક્ષણ જલોકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર અંગે માર્ગદર્શન તેમજ સારવાર આપવામાં આવી હતી. બાળકો માટે સુવર્ણપ્રાશન નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા તથા વિવિધ માહિતી, વિવિધ પ્રદર્શન, યોગ નિદર્શન અને નિબંધસ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, યોગ સ્પર્ધા જેવું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયુષ મેળામાં લોકોને આયુર્વેદિક ઉપચાર અંગે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એક દિવસ માટે નિઃશુલ્ક ઓપીડી અને એક અઠવાડિયા માટે નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આયુષમાન કાર્ડ, મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. તો આયુર્વેદનો ઇતિહાસ, ઔષધીય વનસ્પતિનું જ્ઞાન,રસોડાની ઔષધીયઓ,પંચકર્મ અંગેનું જ્ઞાન, પૌષ્ટિક વાનગીઓ પ્રદર્શન, દિનચર્યા - ઋતુચર્યા, સુવર્ણ પ્રાશન વગેરે અંગેની માહિતી પણ આવવામાં આવી રહી છે...ડૉ.પવનકુમાર મકરાણી (જિલ્લા આયુર્વેદ અધિકારી, કચ્છ જિલ્લા પંચાયત )
આયુર્વેદિક ઉપચારથી વિવિધ રોગના નિદાન : આ ઉપરાંત આ આયુષ મેળામાં અગ્નિકર્મ, કટી બસ્તી, નસ્ય કર્મ, રક્ત મોક્ષણ , જાનુ બસ્તી, વિધ્ધ કર્મ વગેરે સારવારની પ્રક્રિયાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન અને સારવાર હેઠળ સાંધાના રોગ, ચામડીના રોગ, થાઈરોઈડ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ ,સ્ત્રી સંબંધિત રોગ, મેદસ્વીપણું, પેટ આંતરડાના રોગ, શ્વસન તંત્રના રોગ વગેરે રોગોના નિદાન તેમજ સારવાર માટે માર્ગદર્શન અને યોગ્ય દવાઓ અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે જેનો લાભ લેવા ભુજની જનતાને અપીલ કરવામાં આવી છે.