કચ્છ : આજે છ સહિત કુલ 16 કેસ નોંધાયા છે. ભૂજની તબીબ યુવતી, મુંદ્રા આવેલા કુ્ મેમ્બર, બુઢારમોરા ગામના છ કેસ અને જડશાના ઈજાગ્રસ્ત યુવાનને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેમાં તમામના ચેપનું સંક્રમણ મુંબઈ અને રેડઝોન વિસ્તારનું છે. કચ્છમાં લાખો લોકો આવી રહ્યા છે. તંત્રએ એકશન પ્લાન બનાવીને લોકોને હોમ કવોરન્ટાઈન કર્યા છે. પણ કયાંક કશુ ખુટે છે. લોકો ડરમાં છે. આ સ્થિતીમાં રાજયના અન્ય જિલ્લામાં બહારથી આવેલા લોકોને સરકારી કવોરન્ટાઈન રખાયા બાદ જ જે તે જિલ્લામાં એન્ટ્રી મળે છે. આ રીતે જ કચ્છમાં આવનાર તમામને સરકારી કવોરન્ટાઈન કરવાની માગ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહી છે. ગાંધીધામની સંસ્થાઓએ આ માટે તંત્રને લેખિતમા રજુઆતો પણ કરી છે. જોકે રહી રહીને તંત્રએ હવે આ દિશામા કામગીરી શરૂ કરી છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ ETV BHARATને જણાવ્યું હતું કે આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. કલેકટર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માહિતી તેમને મળી છે. બીજી તરફ કલેકટર પ્રવીણા ડી કે નો મોડેથી સંપર્ક થતાં તેમણે જણાવ્યું હતું કે કચ્છની સ્થિતી અને જરૂરિયાત માટે તંત્રએ રાજય સરકારને ચોકકસ નિતી વિષીયક નિર્ણય માટે અહેવાલ મોકલાવ્યો છે. સરકારમાંથી જે આદેશ અને સુચના મળશે તે રીતે કામગીરી થશે.
જામનગર અને દ્વારકા જિલ્લામાં હાલ આ રીતે બહારથી આવનારને ત્રણ-પાંચ કે સાત દિવસ માટે સરકારી કવોરન્ટાઈન કરાઈ રહ્યા છે. તે જ રીતે કચ્છમાં શું કરી શકાય તે માટે સરકાર સાથે વિમર્શ ચાલી રહ્યો છે. હાલ માત્ર કચ્છમાં આવનાર તમામને હોમ કવોરન્ટાઈન કરાઈ રહ્યા છે. જયારે એક વ્યકિત બહારથી આવે તો તેના સંપુર્ણ પરીવારને પણ હોમ કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.