કચ્છઃ ગાંધીધામ ખાતે શ્રી બાગેશ્વર સેવા સમિતિ, કચ્છ દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે પંચમુખી હનુમાનજી મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશાનંદ મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમ વિશેઃ ગાંધીધામમાં 26થી 30 નવેમ્બર સુધી શ્રી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને મહા દિવ્ય દરબાર યોજાશે. હનુમાન કથા 26મી નવેમ્બરે શરુ થશે જ્યારે 28મી નવેમ્બરે મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં જાહેર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 26મી નવેમ્બરે, પ્રથમ દિવસે 4 કલાકે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા હનુમાન કથાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવશે. 28મી નવેમ્બરના બપોરના 12થી સાંજના 4 કલાક સુધી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો મહા દિવ્ય દરબાર યોજાશે. આ દિવસે બપોરના 12 કલાકથી મહા રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
તડામાર તૈયારીઓઃ આ જાહેર કાર્યક્રમનો લાભ 50000 ભક્તો લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હનુમાન કથાનું આયોજન દાદા ભગવાન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભુજ, માંડવી, મુંદ્રા, નખત્રાણા, ભચાઉ, રાપરથી ભક્તો આ કથાનો લાભ લઈ શકે તે માટે વાહન વ્યવહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનમાં 2000 જેટલા કાર્યકર્તાઓ સેવા કાર્યમાં જોડાયા છે. હનુમાન કથા દરમિયાન ભારે વાહનો બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડવા કલેકટર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સભા સ્થળે 20 ફૂડ સ્ટોલ, સ્ટર્લિંગ હોસ્પિટલની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ આયોજનમાં 50000 લોકો આ કથા અને દરબારનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે જો જરૂર જણાશે તો બેઠક વ્યવસ્થમાં વધારો કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ, માંડવી, મુંદ્રા, નખત્રાણા, ભચાઉ, રાપરથી લોકો આ કથાનો લાભ લઈ શકે તે માટે વાહન વ્યવહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે...ધવલ આચાર્ય(અધ્યક્ષ, શ્રી બાગેશ્વર સેવા સમિતિ, કચ્છ)
હનુમાનજી આપણે બળ, બુદ્ધિ પ્રદાન કરે છે. તે સમય આવે ત્યારે નાના અને વિરાટ બનતા શીખવે છે. માત્ર ગાંધીધામ જ નહીં આસપાસના વિસ્તારમાંથી પણ ભકતો કથાનો લાભ લે...બ્રહ્મચારી પ્રકાશાનંદ મહારાજ(મહંત, પંચમુખી હનુમાનજી મંદિર, કચ્છ)