- કચ્છ જિલ્લાના દસેય તાલુકામાં મેઘમહેર જામી
- અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો
- આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
કચ્છ: તાલુકા પ્રમાણે ક્યાં કેટલો વરસાદ નોંધાયો ની વાત કરવામાં આવે તો અંજાર તાલુકામાં સવા 3 ઇંચ, અબડાસામાં પોણા 2 ઇંચ, ગાંધીધામમાં દોઢ ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, ભચાઉમાં પોણા 2 ઇંચ, ભુજમાં 2.5 ઇંચ, મુન્દ્રામાં 3 ઇંચ, માંડવીમાં 1.5 ઇંચ, રાપરમાં 1.5 ઇંચ અને લખપત તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે.ભારે પવન અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ વરસતા શહેરમાં ઠેક ઠેકાણે રસ્તા પર પાણી વહી નીકળ્યાં હતાં તો ડેમ તળાવોમાં નવા નીર પણ આવ્યા છે.
ચાલુ સીઝનમાં 104 ટકા વરસાદ નોંધાયો
ચાલુ વર્ષે કચ્છમાં 104 ટકા વરસાદ નોંધાયો છે. દસ તાલુકામાંથી 4 તાલુકા ભુજ, અંજાર, ગાંધીધામ અને નખત્રાણામાં 100 ટકા થી વધારે વરસાદ આ સીઝનમાં નોંધાયો છે.તો અન્ય તાલુકાઓમાં પણ 65 ટકાથી 95 ટકા વરસાદ ચાલુ સીઝનમાં નોંધાયો છે.
મધ્યમ સિંચાઇના 20 ડેમો છે જેમાં હાલમાં 30.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાપર તાલુકાના ફતેહગઢ માં 92.20 ટકા, અબડાસા તાલુકાના કનકાવતીમાં 65.71 ટકા, બેરાચિયામાં 51.30 ટકા, માંડવી તાલુકાના ડોણ 58.77 ટકા અને અંજાર તાલુકાના ટપ્પર માં 50.47 ટકા પાણી છે. ઉપરાંત મુન્દ્રા તાલુકાનો કારા ઘોઘા ડેમ પણ છલકાઈ ગયું છે.
આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 60 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તંત્ર પણ એલર્ટ થયું છે જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા કોસ્ટ ગાર્ડ દ્વારા પણ માછીમારોને દરિયામાંથી બોટ કિનારે તરફ લઈ જવા માટે સૂચના આપવામાં આવી રહી છે તથા દરિયા કિનારે આવેલા પ્રવાસન સ્થળો પર જાવ માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.