કચ્છ: જિલ્લા કલેકટરના આદેશ મુજબ જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું હતું. તમામ આરોગ્ય કર્મચારીને તમામ સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી હતી. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે. ઉપરાંત નજીકની EDD (સંભવિત સુવાવડવાળી) સગર્ભા માતાઓ તથા અન્ય સગર્ભા માતાઓને જેમને પ્રસુતિની વાર હતી. તેઓને સલામતી માટે PHC, CHC, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અથવા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી.
કર્મચારીઓની ફરજનિષ્ઠા: છેલ્લા 24 કલાક દરમિયાન તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓની ફરજનિષ્ઠા સામે આવી છે. કપરી પરિસ્થિતિમાં પણ ઉતક્રુષ્ટ કામગીરી થકી 34 પ્રસુતાઓની સફળતાપૂર્વક ડિલિવરી થઈ છે. અંજાર તાલુકામાં 6, અબડાસા તાલુકામાં 3, મુન્દ્રામાં 2, માંડવી તાલુકામાં 5, ગાંધીધામ તાલુકામાં 2, ભચાઉ તાલુકામાં 9, લખપત તાલુકામાં 7 બાળકોનો જન્મ થયો છે.
24 કલાકમાં 34 સફળતા: ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા પ્રસુતાઓની સુરક્ષા અને સલામતી હેતુ તારીખ 11 થી 552 સગર્ભા સ્ત્રીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ગઈકાલ સુધી 382 સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ થઈ ચૂકી છે. જ્યારે સાયકલોનની ગંભીર પરિસ્થિતિ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 34 બાળકોનો જન્મ થયો છે.
સફળતાનો શ્રેય: આ સફળ કામગીરીનો શ્રેય વહીવટી તંત્રના જાંબાઝ અધિકારીઓ અને કર્મચારીઓને જાય છે. જેમણે સાયકલોનના લેન્ડફોલની ગંભીર પરિસ્થિતિ તેમજ ભારે પવન અને વાવાઝોડા વચ્ચે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. સંવેદનશીલતા સાથે સગર્ભા મહિલાઓની સારવાર અને તેમની સફળ ડિલિવરીમાં કામગીરી કરી છે.