કચ્છઃ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સંકળાયેલ કચ્છ અતિ સંવેદનશીલ જિલ્લો છે. કચ્છની દરિયાઈ સીમાએ ગેરકાયદેસર કેફી દ્રવ્યોની હેરફેર તેમજ પાકિસ્તાન તરફથી ઘુસણખોરીના કિસ્સા અવારનવાર બનતા હોય છે. અનેક ગુનેગારો પણ માનવ વસાહત રહિત આ ટાપુઓમાં છુપાઈ જતા હોય છે. આ સમસ્યાને ટાળવા માટે કચ્છ કલકેટર દ્વારા કચ્છના માનવ વસાહત રહિત 21 ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગુનાહિત પ્રવૃત્તિઓઃ પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-21 જેટલા ટાપુઓ છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જ્યાં અવાર નવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે ભક્તો અવર-જવર કરતા હોય છે. આ ટાપુઓ પર ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં ગુનેગારો સહેલાઈથી છુપાઈ શકે તેવું જોખમ રહેલું છે. આ ઉપરાંત આવા નિર્જન ટાપુઓ પર હથિયારો અને નશાકારક પદાર્થના સંગ્રહની પણ સંભાવના રહેલ છે.
અગાઉના કિસ્સાઃ આ 21 ટાપુઓ પૈકીના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ ટાપુ પરથી અગાઉ બીએસએફ તેમજ મરિન પોલીસને અનેક વાર ચરસ અને હેરોઈન મળી આવ્યા છે. આ ટાપુઓના આસપાસના વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને પાકિસ્તાની માછીમારો પણ ઝડપાતા હોય છે. ઘણીવાર વિસ્ફોટક સામગ્રી પણ આ ટાપુઓમાંથી મળી આવી છે. આ રાષ્ટ્રવિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામુઃ રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા કચ્છ કલેકટર અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ કચ્છ જિલ્લાના 21 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય તથા કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે ગયેલ સરકારી કર્મચારીઓ, અધિકારીઓને આ જાહેરનામામાં મુકિત આપવામાં આવી છે. આ સિવાય જો કોઈ સામાન્ય નાગરિક આ જાહેરનામાનો ભંગ કરતા પકડાય તો પોલીસ અધિકારીઓ તેની વિરુદ્ધ કલમ 188 અંતર્ગત ગુનો દાખલ કરી શકે છે.
21 ટાપુઓઃ કલેક્ટર દ્વારા પ્રતિબંધિત કરાયેલ 21 ટાપુઓમાં શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર, સૈયદ સુલેમાન પીર, ચભડીયો, લુણ, ગોધરાઈ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા, ગોપી, સતોરી, ભકલ, સાવલા પીર, સુગર, પીર સનાઈ, બોયા, સેથવારા, સત સૈડાનો સમાવેશ થાય છે.
21 જેટલા માનવ વસાહત રહિત ટાપુમાંથી 19 જેટલા ટાપુ 12 નોટિકલ માઈલમાં એટલે મરિન પોલીસની હદમાં આવે છે. જ્યારે બીજા 2 ટાપુ બહાર છે. ક્લેક્ટર ઓફિસ ખાતે કોસ્ટલ સિક્યોરિટી માટે બીએસએફ, મરિન અને પોલીસ વિભાગની મીટિંગ થાય ત્યારે આ ટાપુ ઉપર મૂવમેન્ટ પ્રતિબંધ માટે રજૂઆતો કરવામાં આવતી હતી. આ ટાપુનો ઉપયોગ કોઈ પ્રતિબંધિત વસ્તુઓ માટે કે ગેરકાયદેસર કામ માટે થવાની શક્યતા છે. તેથી જાહેરનામુ બહાર પાડીને આ 21 માનવ વસાહત રહીત ટાપુઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે...અમિત અરોરા(કલેક્ટર, કચ્છ)