કચ્છ: આજે એવા ગામની વાત કરીએ જે ગામમાં લગાન અને મોહે-જો-દડો જેવી ફિલ્મોનું શૂટિંગ થયું છે. આ ગામ છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું કુનરીયા. ભુજ (Bhuj) તાલુકાના કુનરીયા (Kunariya) ગામના લોકો દ્વારા છેલ્લા 4 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદની ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ગામમાં 1.60 લાખ વૃક્ષો: ભારતની ટીમ જયારે કુનરીયા ગામમાં પહોંચ્યું ત્યારે લાગ્યું જ નહિ કે આ ગામ કચ્છ જિલ્લાનું છે. કચ્છમાં વરસાદી પ્રમાણ ઓછું હોવાથી વૃક્ષોનું પ્રમાણ પણ ઓછું હોય છે પરંતુ કુનરીયા ગામમાં વૃક્ષોની સંખ્યા જોઈને તમે આશ્ચર્ય થશે કે ગામમાં ઠેર ઠેર વૃક્ષો જ વૃક્ષો છે. જેના કારણે ગામમાં પર્યાવરણીય ફેરફારો થયા છે અને વૃક્ષોના લીધે જ ગામમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ઉપરાંત વિવિધ પ્રજાતિના પશુ પક્ષીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. ગામના સામાજિક અગ્રણી અને પૂર્વ સરપંચ સુરેશ છાંગાએ જણાવ્યું હતું કે, 'ગામ હવે કાર્બન ન્યુટ્રલ તરફ આગળ વધી રહ્યું છે અને 1.6 લાખ વૃક્ષોના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આગામી સમયમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે અને પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા માટેના પગલાં પણ લેવામાં આવશે.'
ગામમાં દરેક સુવિધાઓ: ગામમાં રોડ કનેક્ટિવિટી જોઈને લાગે કે આવી સુવિધાઓ તો મેટ્રો સિટીમાં પણ જોવા નથી મળતી. ગ્રામ પંચાયતની જે કામગીરી વિષે સાંભળ્યું હતું તેની પડતાલ કરવા ભારતની ટીમ ગામમાં પહોંચી ત્યારે જોવા મળ્યું કે ગામમાં દરેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગામના સામાજિક અગ્રણી અને પૂર્વ સરપંચ સુરેશ છાંગાએ જણાવ્યું હતું કે, 'ગામના લોકોની એવી ઈચ્છા હતી કે ગામનો આત્મા ગામડાનું રહે અને સુવિધાઓ તમામ શહેર જેવી મળે. શહેર જેવી સુવિધાઓ જેમાં રોડ કનેક્ટિવિટીની વાત હોય, સારા શિક્ષણની વાત હોય, ટકાઉ વિકાસની વાત હોય, પર્યાવરણની જાળવણીની વાત હોય આ તમામ સુવિધાઓ મળી રહે તે માટે છેલ્લાં 6 વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય માટે આરોગ્ય કેન્દ્ર, આશા વર્કરો પણ તપાસ કરીને ગામના લોકો સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે તે માટે પ્રયત્નો કરતા રહે છે.'
ગામમાં દેશની પ્રથમ બાલિકા પંચાયતની રચના: કુનરિયા ગામમાં ભારતની પ્રથમ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની પણ પંચાયતી કામોમાં ભાગીદારી વધે અને સાશન વ્યવસ્થામાં રસ લે તે હતો. સ્થાનિક કૌલાશભાઈએ જણાવ્યું હતું કે, 'કુનરિયા ગામમાં મહિલાઓની ભાગીદારી પંચાયત અને શાસન વ્યવસ્થામાં આવે તે માટે પણ પંચાયત દ્વારા કામ કરવામાં આવ્યું છે તો બાળકોના શિક્ષણ માટે પણ ખાસ કરીને કાર્ય કરવામાં આવ્યું છે.'
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ: કુનરીયા ગ્રામ પંચાયતે the plastic waste management amendment rules 2021 મુજબ નક્કી કરીને ગામમાં સંપૂર્ણપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ નિર્ણયને ગામના દરેક લોકોએ સ્વીકાર્યું હતું. ગામના દુકાનદારો પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નથી કરી રહ્યાં. સાથે જ ગામમાં આવતા ફેરિયાઓ પણ સૂચન મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નથી કરી રહ્યાં.
લગાન ફિલ્મથી જાણીતું કુનરીયા ગામ હવે છે એક આદર્શ ગામ: કુનરીયા ગામ આમ તો વર્ષ 2001માં રિલીઝ થયેલી આમિર ખાનની લગાન ફિલ્મના શૂટિંગ બાદ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું હતું, પરંતુ હવે આ ગામ તેના પર્યાવરણીય વિકાસ, વેસ્ટ મેનેજમેન્ટ, બાલિકા પંચાયત, સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનના લીધે જાણીતું થયું છે અને ન માત્ર કચ્છનું પરંતુ ગુજરાતનું એક મોડેલ ગામ બન્યું છે. વધુમાં મહિલા સરપંચે જણાવ્યું હતું કે, 'ગામના 500 પરિવારને આધુનિક ટેકનોલોજી વાળા ચૂલા આપવામાં આવ્યા છે જેથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય. આ ઉપરાંત કાર્બન ઉત્સર્જન રોકવા માટે વૃક્ષોનું વાવેતર તો કરવામાં આવી જ રહ્યું છે. સાથે જ કચ્છ જિલ્લાની કોઈ શાળામાં નહિ હોય તેવું સ્માર્ટ ક્લાસ રૂમ કુનરિયાની શાળામાં છે. બંને શાળામાં વરસાદી પાણી જમીનમાં જ ઉતરે તે માટે બોરવેલની સુવિધા કરવામાં આવી છે. સોલારની પેનલો પણ લગાડવામાં આવી છે.
કુનરિયા જૂથ ગ્રામ પંચાયતના કાર્યોની નોંધ કેન્દ્ર સરકારમાં: કુનરિયા ગામમાં મહિલાઓની ભાગીદારી પંચાયત અને શાસન વ્યવસ્થામાં આવે તે માટે પણ પંચાયત દ્વારા કામ કરવામાં આવ્યું છે તો બાળકોના શિક્ષણ માટે પણ ખાસ કરીને કાર્ય કરવામાં આવ્યું છે. આંગણવાડી, કોમ્યુનિટી હોલના બાંધકામ, કબ્રસ્તાન, સ્મશાનની વ્યવસ્થા માટે પણ પંચાયતે અંગત રસ દાખવીને કાર્ય કર્યું છે. કુનરિયા જૂથ ગ્રામ પંચાયતના કાર્યોની નોંધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ લીધી છે.