કચ્છઃ કચ્છમાં ભૂકંપના આંચકા આવવા એ કોઈ નવી વાત નથી. અહીં અવારનવાર આવતા ભૂકંપના આંચકા લોકોને જૂના વિનાશક ભૂકંપોની યાદ અપાવે છે. એવો જ એક મહાવિનાશક ભૂકંપ કે, જે વર્ષ 1819માં આવ્યો હતો. તેની તીવ્રતા વર્ષ 2001માં આવેલા ભૂકંપની સરખામણીએ આર્થિક, સામાજિક અને ભૌગોલિક રીતે વધુ હતી. તો આવો જાણીએ આ અંગે વિસ્તૃતમાં.
આ પણ વાંચોઃ Turkey Earthquake: તારાજીમાંથી ફરી તાકાતવર થવા તુર્કી કચ્છનું અનુકરણ કરી શકે, જાણો આ મોડલ
અંદાજિત 7.9 મૅગ્નિટયૂડનો અતિ વિનાશક ભૂકંપઃ 16 જૂન 1819 અને બુધવારની સાંજે 6:45 વાગ્યે અંદાજિત 7.9 મૅગ્નિટયૂડનો અતિ વિનાશક ભૂકંપથી કચ્છ તહસનહસ થયું હતું. લખપતથી ખાવડાની વચ્ચે ધરા ધ્રૂજી, એટલું ઓછું હોય તેમ 17મી જૂન 1819એ બીજા દિવસે આફ્ટરશૉક આવ્યો, જે ભૂકંપ કરતા પણ વધુ વિનાશકારી હતો. ભૂજમાં 700થી વધુ મકાનો પડ્યાં અને 1,140 લોકો મોતને ભેટ્યા હતા.
ભૂકંપે સિંધુ અને કચ્છ વચ્ચે અલ્લાહબંધ રચી આડશ ખડકી દીધીઃ કચ્છ યુનિવર્સિટીના અર્થ અને એનવાયર્ન્મેંટ સાયન્સ વિભાગના હેડ ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, 204 વર્ષ પૂર્વે સિંધુ નદીના પાણી કચ્છમાંથી વહેતા હતા. વર્ષ 1819ના ભૂકંપે સિંધુ અને કચ્છ વચ્ચે અલ્લાહબંધ રચી આડશ ખડકી દીધી હતી. સિંધુના પાણી કચ્છમાં આવતા બંધ થઈ ગયા. આ પાણીથી કપાસની ખેતી કરતા કચ્છીઓ સમયકાળે હિજરત કરવા મજબૂર થયા. સિંધુ નદી બંધ થઈ જતા એ સમયે વેપારીઓની લાખોની આવક હતી અને સતત જહાજોની અવરજવરથી ધમધમતું એવું લખપત બંદર વેરાન બની ગયું હતું.
સિંધરી કિલ્લો પણ પાણીમાં નીચે બેસી ગયોઃ વર્ષ 1819ના ભૂકંપના લીધે કચ્છના નકશામાંથી સિંધુનું વહેણ ગાયબ થઈ ગયું હતું અને 90 કિલોમીટર લાંબો 10થી 12 કિલોમીટર પહોળો અને 6 મીટર ઊંચો એક બંધ સર્જી દીધો હતો, જે ઈતિહાસમાં અલ્લાહબંધથી ઓળખાય છે. અંદાજિત 1,000 ચોરસ કિલોમીટરના વિસ્તારનો સિંધરી કિલ્લો પણ પાણીમાં નીચે બેસી ગયો હતો.
કચ્છ ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટની સરહદેઃ કચ્છના મોટા રણમાં આજથી બે સદી પહેલા એટલે કે, 204 વર્ષ પહેલા આવેલા આ ભયંકર ભૂકંપએ મોટી મોટી તિરાડો પાડી દીધી છે, જેને દેશના સૌથી મોટા જિલ્લા કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જ ફેરવી નાખી હતી. આ તમામ ભૌગોલિક પરિસ્થિતિ પર અનેક વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી હતી. 1819માં કચ્છના રણમાં 7.7થી 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ અંદાજિત તીવ્રતા છે. કારણ કે, તે સમયે ટેક્નોલોજી એટલી વિકસિત નહતી. આ ભૂકંપથી ભયાનક સુનામી આવી. જેના કારણે તે સમયે 1,140 લોકોના મોત થયા હતા. કચ્છ જિલ્લો વાસ્તવમાં ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટની સરહદે આવેલો છે.
સિંધ નદીની એક ચેનલ નરા તેનો છેડો ફાટ્યોઃ 7.9ની તીવ્રતાના ભૂકંપથી પાકિસ્તાનના સિંધ નદીની એક ચેનલ જે નરાથી ઓળખાય છે, તેનો અલ્લાહબંધ સર્જાઈ જતા કચ્છ સાથે છેડો કાયમ માટે આ દિવસથી ફાટી ગયો હતો. ન માત્ર સિંધુનું વહેણ પણ આ સાથે કચ્છના પશ્ચિમી છેવાડે આવેલા લખપત બંદરનું ઓમાન, કરાંચી જેવા દેશો સાથે ઈનલેન્ડ નેવિગેશન બંધ થઈ ગયું અને વહાણવટા ઉદ્યોગ કાયમ માટે આર્થિક રીતે પડી ભાંગ્યું હતું. પરિણામે હજારો વેપારીઓએ પોતાની રોજગારી ગુમાવી હતી અને સાથે સાથે હિજરત કરવાની નોબત આવી હતી.
ડો. મહેશ ઠકકરે અલ્લાહબંધ પર સંશોધન પણ કર્યુંઃ કચ્છ યુનિવર્સીટીના અર્થ અને એનવાયરમેંટ વિજ્ઞાન વિભાગના હેડ ડો. મહેશ ઠક્કરે અલ્લાહબંધ પર સંશોધન પણ કર્યું છે. પાકિસ્તાનના સિંધથી લઈને કચ્છના મોટા રણમાં શક્તિબેટ સુધીના બંને છેડે વર્ષ 16 જૂન 1819ના ભૂકંપે કચ્છને ન માત્ર વિશ્વના ભૂસ્તરશાસ્ત્રમાં ઊથલપાથલ સર્જી પણ અહીં વિશ્વનો અનન્ય ભૂ ભાગનું નિર્માણ થયું. ભૂકંપના કારણે અલ્લાહબંધ 90 કિલોમીટર લાંબો, 10થી 12 કિલોમીટર પહોળો અને 6 મીટર ઊંચો ઊઠી ગયો હતો.
અલ્લાહબંધ ફોલ્ટ લાઈનઃ ઉલ્લેખનીય છે કે, હાલમાં જ્યારે આ સ્થળે સંશોધન કરવા માટે જવાય છે ત્યારે જાણી શકાયું હતું કે હવે ભૂકંપને લીધે જે ભાગ અગાઉ 6 મીટર ઊંચો ઉઠી ગયો હતો તે હવે માટે 2.5 મીટર જ રહ્યો છે. જે ફોલ્ટ લાઈન મારફતે આ ભૂકંપ આવ્યો તેને હવે અલ્લાહબંધ ફોલ્ટ લાઈન કહેવામાં આવી રહ્યું છે.