કચ્છ : કચ્છી દાબેલીનું જન્મ સ્થાન બંદરીય શહેર માંડવી છે. માંડવીના મોહનભાઈ નાથબાવાએ 1964માં બટાકાનું શાક દબાવી તીખી-મીઠી ચટણી સાથે એક આનામાં એક નંગ વેચવાનું શરુ કરેલું હતું. જો કે, દાબેલીના શોધક અંગે બીજું નામ લેવાય તો તે છે ગાભા ચુડાસમા. તેમણે જ ખરેખર કચ્છની દાબેલીની પરંપરાનો વારસો આપ્યો છે. આમલી, ખજૂર, લાલ મરચું, લસણ વગેરેની ચટણી અને શેકેલા સીંગદાણા સાથે દાબેલીનો સ્વાદ વધી ગયો હતો, ત્યારબાદ તો આ સફર આજે આઈસ્ક્રીમ દાબેલી સુધી પહોંચી ગઈ છે.
એક અંદાજ મુજબ દરરોજની બે લાખથી વધુ દાબેલીનું વેચાણ થતું હશે. ગામ-શહેર ફળિયું શેરી એવી નહીં હોય જ્યાં દાબેલીની લારી ન હોય. એક દાબેલીના દસ રૂપિયા ગણીએ તો રોજની 20 લાખ દાબેલીના મહિને દહાડે 6 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર દાબેલીનો વ્યવસાય આપે છે. આ સાથે સાદી દાબેલી, શેકેલી દાબેલી, બટર દાબેલી અને હવે આઈસક્રીમ દાબેલી આ દાબેલીની દસ રૂપિયાની કિંમત 50 રૂપિયા સુધીની પ્લેટ સુધી તેનું વેચાણ કરવામાં આવે છે.
કોઇ માટે બપોરનું ભોજન કોઈ માટે સાંજનો નાસ્તો કોઈ માટે ઉજવણીમાં મુખ્ય નાસ્તો તો કચ્છ સુધી પહોંચતાં પ્રવાસીઓ માટે ચટાકેદાર વ્યંજન દાબેલી ખરેખર કચ્છની એક ઓળખ સમી બની છે. 10 રૂપિયાથી લઇને 50 રૂપિયા સુધીની સાથે દાબેલીના મસાલાનું વેચાણ પણ એટલું જ વધ્યું છે. મહારાષ્ટ્રમાં જેમ વડાપાઉં એક અલગ ઓળખ ઊભી કરી છે. તેમ દેશદેશાવરમાં કચ્છી દાબેલીનું નામ આજ લોકપ્રિય બની ગયું છે. કચ્છની દાબેલીનો દબદબો એવો છે કે, આજે ગુજરાત અને અન્ય અનેક શહેરોમાં અનેક લારીઓ ઉપર કચ્છી દાબેલીનું લખાણ જોવા મળે છે. સાહસિકોએ ટેસ્ટમાં સુધારા વધારા ચોક્કસ કર્યા છે. પણ દાબેલીનું મૂળ બંધારણ વર્ષોથી આજે પણ યથાવત રહ્યું છે.
ભુજ અને ગાંધીધામમાં તો અનેક વેપારીઓએ ઇન્કમ ટેક્સ પણ ભરે છે. કચ્છમાં રહેતો હોય તો કોઈ કચ્છી હોય તે કચ્છની મુલાકાતે આવેલો કોઈ પ્રવાસી હોય તમામ માટે દાબેલી એટલે કે દેશી બર્ગરનો સ્વાદ આજે પણ લોકપ્રિય સ્થાને છે. આજે પણ ભુજથી ,અંજારથી અને ગાંધીધામથી મોટી સંખ્યામાં દાબેલી દરરોજ રોડ માર્ગે, હવાઇમાર્ગે અને દરિયાઇ માર્ગે વિવિધ શહેરોમાં પહોંચે છે. દાબેલી 20 કલાક સુધી જેમને તેમ પોતાનો સ્વાદ પકડી રાખે છે.