શનિવારે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી ગાંધીધામમાં 50મીમી ,મુન્દ્રામાં 8 મીમી ,અંજારમાં 35 મિ.મી., માંડવીમાં 20 મિ.મી., ભુજમાં 9 મિ.મી., ભચાઉમાં 27 મિમી અને રાપરમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો હતો. જિલ્લા કંટ્રોલરૂમમાંથી પ્રાપ્ત આંકડા અનુસાર રાત્રે 8થી10 માં મુંદરામાં 25 મિ.મી. વરસાદ વરસ્યો હતો.
ત્યારબાદ 10થી 12માં 3 મિ.મી., 12થી 2માં 19 મિ.મી. અને 2થી 4માં 56 મિ.મી. અને 4થી 6માં 28 મિ.મી. મળી કુલ 131 મિ.મી. વરસાદ વરસી ગયો હતો. મધરાત્રે બે થી પરોઢના 6 સુધીના 4 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ વરસી ગયો હતો. એકધારી અને શાંતધારે રાતવચાળે વરસી ગયેલાં 5 ઈંચ વરસાદથી આસો માસના આરંભે મુન્દ્રા મહોરી ઉઠ્યું છે. આમ સિઝન દરમિયાન અભડાસામાં 780મીમી, અંજારમાં 614 મીમી, ભચાઉમાં 654 મીમી, ભૂજમાં 544 મીમી, ગાંધીધામમાં 493 મીમી, લખપતમાં 526મીમી, માંડવીમા 705મીમી, મુંદરામાં 759 મીમી, નખત્રાણામાં 767 મીમી, અને રાપરમાં 646 મીમી વરસાદ નોંધાયો હતો.
આ વરસાદને પગલે માતાના મઢના ભાવિકો કચ્છમાં અનરાધાર વરસાદનો સામનો કરવો પડયો હતો. એક તરફ નોરતાના સ્વાગત માટે માઁ નો ચંદરવો બંધાઈ રહ્યો છે, તો બીજીતરફ વરસાદની ઝડી સૂસવાટા મારતા પવન સાથે વરસી રહી છે, નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ગરબીના આયોજકો ચિંતામાં છે, મઢ જતાં પદયાત્રીઓ વરસાદથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. નવરાત્રિ સુધી વરસાદ ચાલુ રહેવા પામ્યો હોય, તેવી ઘટના લાંબા સમય પછી જોવા મળી છે.