કચ્છ : ભુજ તાલુકા પંચાયતનું સ્વ-ભંડોળ બજેટની તારીખ 1/4/2024 ની સંભવિત ઉઘડતી સિલક રૂપિયા 14.20 કરોડ છે. તેમજ વર્ષ 2024-25 દરમિયાન સંભવિત આવક રૂપિયા 13.62 કરોડ છે. જ્યારે સંભવિત ખર્ચ રૂપિયા 11.89 કરોડ છે. ઉપરાંત વિવિધ ક્ષેત્રે કરેલ આવક તથા ખર્ચની જોગવાઈ પણ મૂળ અંદાજપત્રમા પણ સમાવવામાં આવી છે. ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણીએ ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન, શાસક પક્ષના નેતા, દંડક, વિરોધ પક્ષના નેતા તેમજ ભુજ તાલુકાના સદસ્યોની હાજરીમાં વર્ષ 2023-24 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું.
ગૌચર જમીન બાબતે પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો કે ભુજ તાલુકાના કયા કયા ગામમાં કેટલી ગૌચર છે મોટાભાગની ગૌચરો મોટી મોટી કંપનીઓને સરકારે આપી દીધી છે. સરકાર મફતમાં જમીનોની લાણી કરે છે એને કારણે ગામડાના પશુપાલકો અને માલધારીઓ જે લોકો છે એમને મોટી સંખ્યામાં માલ રાખવાની તકલીફ થાય છે અને માલ ઢોરને ચરવા માટે જો જમીન જ નહીં રહે તો માલધારી મૂકવા ક્યાં એ મોટો પ્રશ્ન છે. - વિરોધ પક્ષના નેતા અનિલ આહિર
પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું : ભુજ તાલુકા પંચાયત વર્ષ 2024-25 ના અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્રે આવક તથા ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે 95.07 લાખ, બાંધકામ ક્ષેત્રે 6.91 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 14.50 લાખ, આરોગ્યક્ષેત્રે 8.10 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 26 લાખ, પશુપાલન ક્ષેત્રે 2 લાખ તથા આંકડા ક્ષેત્રે 25 હજારની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજ કલ્યાણ ક્ષેત્રે 3.10 લાખ, કુદરતી આફત ક્ષેત્રે 37 લાખ, નાની સિંચાઈ ક્ષેત્રે 1.30 લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે 3.05 લાખ, સહકાર ક્ષેત્રે 10 હજારની જોગવાઈ કરવામાં આવી છે.
આજે સામાન્ય સભામાં 2024-25 સ્વ-ભંડોળનું 15.96 કરોડની પુરાંતવાળું તથા એકંદર 62.59 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પંચાયતના જે સદસ્ય હતા તેમની રજૂઆતોને સાંભળીને તેના નિરાકરણ લાવવા માટે ચર્ચા કરવામાં આવી છે. અનેકવાર ગૌચર જમીન પર થતા દબાણ અંગે પ્રશ્નો ઉભા થતાં હોય છે ત્યારે આ જમીનો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ જમીનોની માપણી સીટ થયેલી ના હોય તેની જગ્યા હોય તે નક્કી ન થતી હોય કે આ જમીન ગૌચરની છે. ત્યારે આજે તાલુકા પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવેલી ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે જે જે ગ્રામ પંચાયત માપણી સીટ તૈયાર થયેલ નથી તે ગ્રામ પંચાયતને જાણ કરી તેની જગ્યા સુનિશ્ચિત કરવી કે આ જગ્યાએ ગૌચર જમીન છે જેના કારણે તે ગૌચર જમીન જળવાઈ રહે. આ ઉપરાંત જે જગ્યાએ વિસંગતતાઓ છે કે ગૌચર જમીન ક્યાં છે તો પંચાયતની સંમતિ વગર કોઈને પણ જગ્યા ફાળવવી નહીં તેવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. - ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી
ગૌચર નક્કી કરાશે : સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે 20 ગામડાઓમાં ગૌચર નક્કી કરવામાં આવે અને જે વિષમતા વાળી જમીન હોય છે એ કોઈને પણ કોઈ કંપનીને કે કોઈની માલિકીને પાસ કરવામાં ન આવે એવો આજે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેમજ જ્યાં જ્યાં ગૌચરની જમીનો છે તેની માપણી કરવામાં આવે અને તે નક્કી કરવામાં આવે કે આ ગૌચર જમીન છે અને તેને કોઈને પણ ફાળવવામાં આવે નહીં તેવી ચર્ચા કરવામાં આવી છે.