કચ્છ: સરહદી જિલ્લો કચ્છ રણપ્રદેશ હોવાના કારણે હંમેશા પાણી માટે વલખાં મારતો રહ્યો છે. અનેક વખત આ જિલ્લામાં દુષ્કાળ પડ્યો છે. કચ્છ પ્રદેશ લગભગ હર વર્ષે ઉનાળામાં પાણી માટે તરસતો રહે છે. કચ્છના ઐતિહાસિક જળ સ્ત્રોત (Historical Water Source Of Kutch) પણ આ જ રાહમાં સુકાતા રહે છે. હર વર્ષે ચોમાસા પહેલા સારા વરસાદ માટે કચ્છીઓ મનોકામના કરતા હોય છે. એક સામાજિક સંસ્થા દ્વારા આવતા ચોમાસામાં સારા વરસાદ માટે અને ઐતિહાસિક જળ સ્થાપત્યો પ્રત્યે લોકોમાં જાગૃકતા વધે તેવા હેતુ સાથે જળપૂજા અને દીપમાળા યોજવામાં આવી હતી.
આ પણ વાંચો: પાણીનો પ્રાણ પ્રશ્ન : કચ્છીઓ અસ્તિત્વ માટે જાણો કેવી રીતે કરી રહ્યા છે સંઘર્ષ
લોકો જળ સ્થાપત્યોનું મૂલ્ય ભૂલી ગયા છે : હવે ચોમાસાને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ખેડૂતોની સાથે સાથે કચ્છના દરેક લોકો સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે કે, આ વર્ષે સારો વરસાદ પડે અને બધા જળ સ્ત્રોત ભરાઈ જાય. તો સદીઓથી અનેક દુષ્કાળનો ઈતિહાસ ધરાવતા આ પ્રદેશમાં લોકોએ પાણીની કિંમત સમજી કૂવા, સેલોર, કુંડ જેવા અનેક જળસ્ત્રોત પણ બંધાવ્યા છે. પણ આજે લોકો આ સ્થાપત્યોનું મૂલ્ય ભૂલી ગયા છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના હસ્તે જળપુજા કરાઈ : ગાંધીનગરની અતુલ્ય વારસો સંસ્થા દ્વારા કચ્છમાં સારો વરસાદ થાય અને આપના ઐતિહાસિક સ્થાપત્યો પ્રત્યે લોક જાગૃતિ વધે તે ઉદ્દેશ્યથી શનિવારે ભુજના રામકુંડ ખાતે જળપૂજા અને દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના હમીરસર તળાવ ખાતે આવેલા રામકુંડને દિવડાઓથી શણગારવામાં આવ્યું હતું અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય અને ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના હસ્તે જળપુજા કરવામાં આવી હતી.
ઐતિહાસિક રામકુંડની વિશેષતાઓ : રામકુંડ એક પ્રકારનો જળસ્રોત છે અને 300 વર્ષથી વધુ પ્રાચીન હોવાના સંદર્ભો સાંપડે છે. રામકુંડની ચારે બાજુ દિવાલોમાં દિવાઓ મુકવા માટે સુંદર કલાત્મક ગોખલાઓ ઘડેલા છે, જેમાં તહેવાર પ્રસંગોએ દિવાઓ પ્રગટાવતાં આખો રામકુંડ રોશનીથી ઝળહળી ઉઠે અને શોભી ઉઠે છે. આ રામકુંડ 10માં સૈકા દરમ્યાન બંધાવવામાં આવ્યું હોવાનું અનુમાન છે. આ રામકુંડની રચના ભુજના હમીરસર તળાવની આવના વહેણ પર છે, આ વહેણ હમીરસરને જયાં મળે છે એની પાસે રામકુંડ બનેલો છે.
રામકુંડની ખાસિયત : આ રામકુંડની ખાસિયત એ છે કે, હમીરસર તળાવના પાણીની સપાટી મુજબ રામકુંડમાં પાણીની સપાટી રહે છે, એ રીતે ભૂગર્ભમાંથી પાણીની આવ રામકુંડના તળીયાંમાં રહેલા કૂવામાં આવે છે અને રામકુંડ ભરાતો જાય જયારે હમીરસર પૂરું ભરાઇ જાય અને ઓગની જાય ત્યારે આ રામકુંડ છેક ઉપર સુધીની સપાટીએ પાણી ભરાઇ જાય છે.
રામકુંડમાં કલાત્મક બાંધકામ : મહારાવશ્રી પ્રાગમલજી સુંદર કલાત્મક બાંધકામોનાં શોખીન હતાં અને તેમના સમયમાં કાચા પથ્થરમાંથી ભુકરીયા પાણા કોતરી બનાવેલા જુનાં કૂંડને કલાત્મક રીતે સજાવવા આંધૌના લાલ પથ્થરથી મઢાવી જીર્ણોદ્વાર કરાવી તેમાં સુંદર ભૂમિતીકારક પગથીયાની ગોઠવણી અને વચ્ચેના ભાગમાં 19-19 પ્રતિમાઓ કોતરાવી રામાયણ, મહાભારત વગેરેના પ્રસંગોને લગતી કોતરણી અને તેને હારમાં બન્ને બાજુ ફૂલ, બુટા અને કુંડીઓમાં કલાત્મક છોડની કોતરણીથી સજાની એક નમુનેદાર સ્થાપત્ય નિર્માણ કરાવ્યું જણાય છે.