કચ્છ: કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યતાનો ઉત્તમ ખજાનો જોવા મળે છે. કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં યોજાતા રણોત્સવથી તો તમામ લોકો વાકેફ છે. પરંતુ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણને ચીરીને નીકળતો આ રસ્તો કે જે હવે રોડ ટુ હેવનના નામે ઓળખાય છે. તે પોતે જ એક પ્રવાસન સ્થળ તરીકે હવે વિકસી રહ્યો છે. આ રસ્તાની બંને બાજુ અફાટ રણની વચ્ચેથી પસાર થઈ લોકોને આહ્લાદક વાતાવરણની અનુભૂતિ પણ થાય છે. પરંતુ આ રસ્તાનું કામ હજુ પણ નિર્માણાધીન છે.
" કચ્છના સરહદી વિસ્તાર લખપત તાલુકાના ઘડુલીથી પાટણના સાંતલપુર તાલુકા સુધી કુલ 278 કિલોમીટરનો નેશનલ હાઇવે બનાવવામાં આવી રહ્યો છે. જેનો 32 કિલોમીટર લાંબો ભાગ સફેદ રણ વચ્ચેથી પસાર થાય છે. આ ધોરીમાર્ગ કચ્છની વૈશ્વિક ધરોહર ધોળાવીરા અને વાગડ વિસ્તારના વિકાસ માટે તો એક મહત્વપૂર્ણ માર્ગ સાબિત થઈ શકે છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી સતત ચાલી રહેલા કામના કારણે હવે પ્રવાસીઓ પણ તેના નિર્માણને લઈને અધીરા બન્યા છે. કોરોનાકાળ એટલે કે વર્ષ 2019થી આ ધોરીમાર્ગ બની રહ્યો છે જે ધોળાવીરા ગામના પ્રવાસન માટે પણ મહત્વપૂર્ણ છે પરંતુ આ રસ્તો તૈયાર ન થતાં ગ્રામજનો માટે પણ સમસ્યાઓ ઊભી થઈ છે."-- જીલ્લુભા સોઢા, (સરપંચ, ધોળાવીરા)
ટુ હેવનના નામે: ભુજ તાલુકાના સરહદી વિસ્તાર ખાવડા ગામથી જતો માર્ગ કાઢવાંઢ બાદ કચ્છના સફેદ રણની વચ્ચેથી પસાર થાય છે. આ ધોરીમાર્ગ અફાટ રણ વચ્ચેથી પસાર થાય છે. જાણે કે રણ ચીરીને નીકળતું હોય તેવો આભાસ થાય છે. ચોમાસા દરમિયાન કચ્છની ઉત્તર દરિયાઈ સીમામાંથી વરસાદનું અંદર આવતા પાણીના વહેણના કારણે આ રણ પાણીથી ભરાઈ જાય છે. છેલ્લા 2 વર્ષથી આ વિસ્તાર દૂર દૂર સુધી પાણીથી ભરાયેલો રહે છે. ત્યારે આ રણ વચ્ચે પસાર થતા પ્રવાસીઓ માટે આ માર્ગ રોડ ટુ હેવન બની ગયું છે. આ માર્ગની અનુભૂતિ કરવા પ્રવાસીઓ દૂર દૂરથી કચ્છ આવી રહ્યા છે.
"એજન્સીને આ કામ પૂર્ણ જેમ બને તેમ ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે અને માર્ચ-એપ્રિલ 2024 સુધીમાં આ રસ્તાનું કાર્ય પ્રું કરવામાં આવશે.આ ઘડુલી સાંતલપુર ધોરીમાર્ગનો પ્રોજેક્ટ 323 કરોડનું છે અને એજન્સીને ગુણવતા ભર્યું કામ કરવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા છે આગામી સમયમાં આ રસ્તો સંપૂર્ણ રીતે કાર્યરત થઇ જશે."-- મિલન વસાવડિયા (નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી)
આ રસ્તાનું કામ: વર્ષ 2019 માં કોરોના કાળ સમયે આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ 4 વર્ષ બાદ પણ આ રસ્તાનું કામ હજી પૂરું થયું નથી. ધોળાવીરાના સરપંચે જણાવ્યું હતું કે, "આ ગતિએ કામ થશે તો આ રસ્તાનું કામ પૂર્ણ થતાં હજુ વધુ બે વર્ષ લાગી જશે. જાન્યુઆરીમાં કચ્છમાં યોજાયેલી G20 સમિટ માટે સરકારની સુચના અનુસાર એજન્સી દ્વારા આ રસ્તાની એક લેનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. તો આ કામમાં એજન્સીઓ દ્વારા પણ યોગ્ય રીતે કામ ના થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આગામી સમયમાં હવે આ રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રવાસીઓની સાથે સાથે ધોળાવીરાના સ્થાનિક લોકોમાં પણ માંગ ઉઠી છે".