આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ટીકા થતાં આતંકી હુમલાની ઘટનામાં વધારો થઈ શકે છે. ગુજરાતના બંદરો આતંકી હુમલાના નિશાન પર હોવાના ઈનપુટ બાદ કચ્છના બે મોટા બંદર કંડલા અને મુંદ્રા પર હાઈએસ્ટ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ અંગે મુંદ્રા પોર્ટનું સંચાલન કરતા અદાણી પોર્ટ તેમજ કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા એક એટવાઈઝરી જાહેર કરી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતના અન્ય બંદરો પર નાના-મોટા જહાજોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારો પણ એલર્ટ કરાયા છે. ટૂંક સમયમાં જ ગણેશ ચતુર્થી હોવાથી મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવા સુધી એલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય રાજ્યોમાં બારેમાસ વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં જોવા મળતા હોવાથી કટક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 1993માં મુંબઈની વિવિધ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કહેવાય છે કે, આ બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયેલો વિસ્ફોટક દુબઈથી વાયા ગુજરાતના પોરબંદર થઈ મુંબઈ પહોંચ્યો હતો.