કચ્છઃ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તેમજ તબીબો દ્વારા અત્યાર સુધી કરાયેલી કામગીરીની આરોગ્ય કમિશનરે સમીક્ષા કરી હતી. જ્યાં આરોગ્ય કમિશનરે જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધનવંતરી રથ દ્વારા જનજાગૃતિ તેમજ શંકાસ્પદ દર્દીઓને આઇડેન્ટીફાઇ કરી, તેમને સારવાર મળે તેવી વ્યવસ્થાઓ વિસ્તારવા ઉપરાંત ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન બનાવવા અંગે સુચના આપી હતી.
કોરોના સંક્રમિત દર્દીઓના રિપોર્ટ, સારવાર દરમિયાન સ્ટાફને કોરોના સંક્રમણ ન થાય તે માટે જરૂરી સાવચેતી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા કક્ષાએ નિદાન અને સારવારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની સારવાર, નિદાન અને જાગૃતિ તેમજ સર્વેલન્સની અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીનુ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
તાવ, શરદી, ઉધરસ અને શ્વાસની બીમારી જણાય તો એવા દર્દીઓ સ્વૈચ્છિક એન્ટીજન ટેસ્ટ કરાવે અને આ માટે વિનામૂલ્યે નિદાન માટે આરોગ્ય વિભાગની ટીમો કામ કરી રહી છે, જિલ્લામાં સર્વેલન્સની કામગીરી વધારાશે. આ કામગીરીમાં લોકજાગૃતિ વધે અને લોકોનો પણ સહકાર આવશ્યક છે. તેમ આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું.
આ બેઠક બાદ આરોગ્ય કમિશનરે ભુજ ખાતે જી. કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં સારવાર અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે પરામર્શ કરીને હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓ માટે 150 બેડની સુવિધા છે તે વધારવા અને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા વધારવા માટે વધુ એક ટેન્કનું ઇન્સ્ટોલેશન કરવા સૂચના આપી હતી.