- અમદાવાદની ખનગી હોસ્પિટલના કોરોના દર્દીઓના વોર્ડમા લાગી આગ
- કોરોનાના 8 દર્દીના મોત, હોસ્પિટલ સામે FIR દાખલ કરાઈ
- આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોંચ્યા
- સરકારની સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી ન કરવા માટે બેદરકારઃ હાર્દિક પટેલ
કચ્છ/ભુજ: અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓના વોર્ડમાં આગ લાગવાની ઘટના 8 દર્દીઓના કરૂણ મોત થયા છે. આ ઘટના પાછળ ગુજરાત સરકારની સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી ન કરવાની ગંભીર બેદરકારી જવાબદાર હોવાનું નિવેદન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભુજ ખાતે આપ્યું છે.
કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારી અને અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના આગેવાનો આજે કચ્છ પહોંચ્યા છે. પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઉભી કરવાની જગ્યાએ 30 વર્ષથી શાસન કરી રહેલા ભાજપની રાજ્ય સરકારે માત્રને માત્ર ખાનગીકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
અમદાવાદની ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ અને તેમના પરિવારો પ્રત્યે લાગણી વ્યક્ત કરતા હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાત સરકારે આરોગ્ય અને શિક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓ તરફ ધ્યાન આપવાની જરૂર છે. અમદાવાદની ઘટના બાદ ખાસ કરીને સ્વાસ્થ્ય સુવિધાઓ પર સરકારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ હરહંમેશા આવી પ્રાથમિક જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. આ બાબતે ચોક્કસથી જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડશે.
કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર સામે સુવિધાઓના મુદ્દે જ્યારે અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે આ ઘટના પરથી બોધપાઠ લઇને સરકારે સ્વાસ્થ્ય સુવિધાઓ અને ચોક્કસથી વધારવી જોઈએ.