કચ્છ : વિશ્વમાં હાલમાં કોરોનાના નવા વાયરસનો કહેર ફેલાઈ રહ્યો છે. જો કે હવે દેશમાં H3N2 વાયરસ પણ ડર ફેલાવી રહ્યો છે. ઈન્ફલુએન્ઝા વાયરસ H3N2ના વધેલા કેસો વચ્ચે કચ્છમાં હજી આ બીમારીનો કોઈ કેસ નોંધાયો નથી પણ કોવિડના હાલ 2 એક્ટિવ કેસ છે. સીઝનલ વાયરસના 5 માઇલ્ડ કેસ એક્ટિવ છે. જ્યારે H3N2 વાયરસના ટેસ્ટિંગ માટે કિટ ઉપલબ્ધ નથી ત્યારે જિલ્લામાં તેની સ્થિતિ સ્પષ્ટ નથી.
રાજ્યમાં કોરોના સ્થિતિ : ગુજરાતમાં 13 માર્ચની સ્થિતિએ કોવિડ 19ના નવા 45 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં કોરોનાના કુલ 233 દર્દીઓમાંથી 1 વેન્ટિલેટર પર છે જ્યારે 232 દર્દી સ્ટેબલ કંડિશનનમાં સારવાર હેઠળ હોવાનું સરકારી યાદીમાં જણાવાયું હતું. 14 માર્ચ 2023ની સતારીખ સુધીમાં કોરોનાથી ગુજરાતમાં કુલ 11047 દર્દીઓ મોતને ભેટી ચૂક્યાં છે.
જિલ્લામાં કોરોનાના 2 કેસ એક્ટિવ : જિલ્લાના એપીડેમિક મેડિકલ ઓફિસર EMO ડો. જીતેશ ખોરાસિયાએ જણાવ્યું હતું કે,સરહદી જિલ્લા કચ્છમાં હાલમાં ડબલ ઋતુના લીધે અને વાયરલ સીઝનના કારણે ફલૂના કેસોમાં વધારો થયો છે અને શંકાસ્પદ કેસોને તપાસણી માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. હાલ જિલ્લામાં કોરોનાના 2 કેસ એક્ટિવ છે જેમાં 1 કેસ મેઘપર બોરીચીમાં છે અને એક રાપરમાં છે.
કોરોના દર્દીની સ્થિતિ સુધારા પર : રાપરમાં થાઈલેન્ડથી પરત આવેલા 37 વર્ષિય યુવાન અને મેઘપર બોરીચીના 80 વર્ષિય વૃધ્ધનો RTPCR ટેસ્ટમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. મેઘપર બોરીચીના વૃધ્ધ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને રાપરના યુવાનને પણ આઈસોલેટ કરવામાં આવ્યો છે બંનેની સ્થિતિ હાલમાં સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
જિલ્લામાં H1N1ના 5 કેસો, H3N2ના ટેસ્ટ માટે કિટ ઉપલબ્ધ નથી : ઉપરાંત જિલ્લામાં હાલમાં H1N1 ના 5 કેસો નોંધાયા છે જે જનરલ હોસ્પિટલમાં લેબ ટેસ્ટ દરમિયાન સામે આવ્યા હતા અને આ કેસો પણ માઈલ્ડ જ છે. હજી સુધી જિલ્લામાં H3N2નો કોઈ કેસ નોંધાયેલ નથી. ભુજની જનરલ હોસ્પિટલમાં હાલમાં H1N1 અને કોરોના માટે તપાસ કરવા માટે ટેસ્ટ કિટ ઉપલબ્ધ છે. જેમાં RTPCR અને રેપિડ ટેસ્ટના જથ્થા સાથે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ પરિસ્થતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. પરંતુ H3N2 ના ટેસ્ટ માટે જિલ્લામાં આરોગ્ય તંત્ર માટે કોઈ કિટ ઉપલબ્ધ નથી. ગાંધીનગરથી તેનો જથ્થો મંગાવવામાં આવેલ છે.
આ પણ વાંચો What is H3N2 virus: H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ શું છે અને તેને ફેલાતા કેવી રીતે રોકી શકાય
કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ : હાલની સીઝનમાં સીઝનલ વાયરસ અને વાયરલ ઈન્ફેકશન હોતા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું અનિવાર્ય છે જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને વારંવાર હાથ સેનેટાઈઝરથી સાફ કરવા તેમજ કોઈ લક્ષણો જણાય તો હોસ્પિટલમાં જઈને યોગ્ય તપાસ કરાવી લેવા આરોગ્ય તંત્ર તરફથી અનુરોધ પણ કર્યો હતો. છેલ્લે ગુજરાત સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે રાજ્યમાં 10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે અને H3N2થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું ન હતુું. જોકે આજે 14 માર્ચે વડોદરામાં H3N2થી એક મોત નોંધાઇ ચૂક્યું છે.