કચ્છ : દરેક શહેર અને જિલ્લાના જુદાં જુદાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ હોય છે, જેના દેશ-વિદેશમાં પણ ચાહકો હોય છે. તેવામાં હાલ કચ્છ જિલ્લાના ભુજના એક બાપુ ગરમા ગરમ વઘારેલા રોટલામાં એક અનોખું ટવીસ્ટ લઈને આવ્યા છે. આ પ્રયોગશીલ યુવાને અગાઉ ક્યારેય ન સંભાળ્યો હોય તેવો ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલો બનાવી ખાણી પીણીના વ્યવસાયમાં એક નવો આવિષ્કાર કર્યો છે. યુવાનોમાં વધતા જંક ફૂડના ક્રેઝને ઓછો કરવા બાજરાના રોટલાને ડિહાઇડ્રેટેડ વઘારેલા રોટલોના રૂપમાં કચ્છનો દેશી ખોરાક રોટલો જમાડવાની એક નવી પદ્ધતિ આ યુવાને અપનાવી છે.
કચ્છનો પ્રખ્યાત વઘારેલો રોટલો : ભુજમાં લગભગ વર્ષ 2014 થી વઘારેલો રોટલો બનાવતા જયદીપસિંહ જાડેજાની ખાસિયત છે કે, છાશ અથવા દહીં વગર તેઓ વઘારેલો રોટલો બનાવે છે. આ ઉપરાંત વિવિધ 12 પ્રકારના રોટલા તેઓ બનાવે છે. શહેરના હોસ્પિટલ રોડ પર માઁ ભગવતીના નામે વઘારેલો રોટલો પીરસતા જયદીપસિંહ જાડેજા હવે વઘારેલા રોટલામાં એક નવું ટવીસ્ટ લઈને આવ્યા છે. કચ્છનું દેશી ભાણું જે વાનગી વગર અધૂરું છે તેવા બાજરાના રોટલાને એક નવા અંદાજમાં લોકો સમક્ષ લાવી તેમણે ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કરી છે. દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતા આપણા દેશના જવાનો, વિદેશમાં વસતા ગુજરાતીઓ અને મુસાફરી દરમ્યાન દેશી ખોરાક આરોગવાના રસિકો માટે ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલો બહુપયોગી વાનગી તરીકે સાબિત થશે.
નવા અંદાજમાં પીરસાયો રોટલો : ETV BHARAT સાથે વાતચીત કરતાં જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023 ને યુનાઈટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ એટલે કે આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકોને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ભોજન મળી રહે તે હેતુસર આ બાજરાના રોટલાને નવુ સ્વરૂપ આપવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં વસતા કચ્છી લોકો સહિત ગુજરાતીઓ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે હવે ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલો તરીકે આવિષ્કાર કર્યો છે.
લોકોને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ભોજન મળી રહે તે હેતુસર આ બાજરાના રોટલાને નવુ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ easy to make ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલાથી નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ દેશી વઘારેલા રોટલાનો સ્વાદ માણી શકશે. -- જયદીપસિંહ જાડેજા (માલિક, માઁ ભગવતી વઘારેલો રોટલો)
વઘારેલો રોટલો બનાવવો આટલો સરળ ! વઘારેલો રોટલો બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતા જયદીપસિંહે જણાવ્યું હતું કે, ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલાને પાવડર સ્વરૂપમાં ફેરવી નાખવું સહેલું જરૂર લાગે પરંતુ તેની બનાવટ ખૂબ કઠિન અને લાંબી છે. વઘારેલો રોટલો તૈયાર કરવાની સામાન્ય રીત મુજબ જ તવા પર ડુંગળી, કોબીજ, ટામેટા કેપ્સીકમ અને મકાઈ સાથે રોટલાને માખણમાં વઘારી વિવિધ જાતના મસાલા અને આદુની પેસ્ટ ઉમેરી તીખો ચટપટો વઘારેલો રોટલો તૈયાર કરવામાં આવે છે. આ રોટલાને ઠંડો કર્યા બાદ તેને ડિહાઇડ્રેટેડ કરવામાં આવે છે, જેમાં 2 દિવસનો સમય લાગે છે. ત્યારબાદ તેનો પાવડર બનાવવામાં આવે છે અને આ રીતે તૈયાર થાય છે ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલો...
વિદેશમાં મળશે દેશી સ્વાદ : વઘારેલા રોટલાની કિંમત વિશે જયદિપસિંહે કહ્યું કે, હાલ આ ડિહાઇડ્રેટેડ વઘારેલા રોટલો બનાવવાની શરૂઆત અન્ય પ્લાન્ટમાં કરવામાં આવી હોવાથી હાલમાં 100 ગ્રામ વજનના પેકેટની કિંમત 150 રૂપિયા જેટલી રાખવામાં આવી છે. આગળ જતાં પોતાનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે ત્યારે ડિહાઇડ્રેટેડ વઘારેલા રોટલાના પેકેટને કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવશે. આ ડિહાઇડ્રેટેડ વઘારેલા રોટલાના પાવડરમાં લોકો 100 ml ગરમ પાણી ઉમેરીને તેને સરળ રીતે બનાવીને આરોગી શકશે. તો તેની સાથે છાશ અથવા દહીં ઉમેરીને પણ તેનો આનંદ માણી શકશે અને જે રીતે તાજો બનાવેલ વઘારેલા રોટલાનો સ્વાદ આવે છે તેવો જ સ્વાદ આ ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલો ખાવાથી મળશે.
ગુજરાતનો અદ્દલ ટેસ્ટ હો ! ડિહાઇડ્રેટેડ વઘારેલા રોટલાના પેકેટમાં મળતા વઘારેલા રોટલાનો સ્વાદ છ મહિના સુધી તાજા વઘારેલા રોટલા જેવો મળશે. તો આજે બાળકો અને ખાસ યુવાનો રોટલા જેવો દેશી ખોરાક ખાવો ઓછો પસંદ કરે છે અને અન્ય જંક ફૂડ આરોગતા હોય છે. ત્યારે હવે આ easy to make ડિહાઇડ્રેટેડ વઘારેલો રોટલો મેળવીને નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ દેશી વઘારેલા રોટલાનો સ્વાદ માણી શકશે.