કચ્છઃ લોકડાઉન દરમિયાન ઘણા લોકો અન્ય સ્થળે ફસાયા છે. ત્યારે સરકારે ફસાયેલા લોકોને પોતાના વતન જવા પરવાનગી આપી છે. જેથી મહારાષ્ટ્ર, કર્ણાટક, મુંબઈ, પુના, સુરત, વડોદરા અમદાવાદ સહિતના રેડઝોન વિસ્તારમાંથી કચ્છના લોકો માદરે વતન આવી રહ્યાં છે. બહારથી આવનારા લોકોમાં સૌથી વધુ લોકો રાપર તાલુકામાં આવ્યા છે. જેથી બુધવારે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીની અધ્યક્ષતામાં કોરોના વાઇરસના રક્ષાત્મક ઉપાયો અને માર્ગદર્શન તેમજ વધુ પ્રમાણમાં ફેલાતો અટકાવવા માટે સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રોબેશનલ પ્રાંત અધિકારી કલ્પેશ કોરડીયા, તાલુકા વિકાસ અધિકારી ડી.જે.ચાવડાસ, મામલતદાર એચ. જી પ્રજાપતિ, કોલેટી મેડિકલ ઓફિસર ડૉ.ભાર્ગલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પૌલ, ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા, પ્રકાશ ચૌહાણ, રામજી પરમાર, કિશોર હાલા, હરેશ પરમાર, કંચન સુવારીયા વગેરે હાજર રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે, રેડઝોનમાંથી લોકો વાગડ વિસ્તારમાં આવી રહ્યાં છે. ત્યારે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા લોકો પર નજર રાખવામાં આવશે અને કડક બનીને નિયમોના પાલન કરાવવામાં આવશે. જેના માટે તંત્ર સ્પષ્ટ છે. જો કોઈ વ્યક્તિ ક્વોરેન્ટાઈનના નિયમનો ભંગ કરશે, તો તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે.