કચ્છ: પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની એટીએસ દ્વારા સપ્ટેમ્બર 2022માં કચ્છના જાખોમાંથી 6 પાકિસ્તાનીઓ અને બોટમાંથી 200 કરોડના ડ્રગ્સ જપ્ત કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. આજે ગુજરાત ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છ લાવવામાં આવ્યો હતો અને બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લોરેન્સનને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર: જખૌના દરિયામાંથી ઝડપાયેલાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇનું નામ બહાર આવ્યું હતું. જેથી તેની પૂછપરછ માટે ગુજરાત એટીએસે એનઆઈએ કોર્ટમાં ટ્રાન્સફર વોરન્ટ અરજી કરવામાં આવી હતી. જેમાં એનઆઈએ કોર્ટે પરવાનગી આપતાં લોરેન્સ બિશ્નોઇને પટિયાલા જેલમાંથી ગુજરાત લવાયો હતો. ભારતમાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં આતંક ફેલાવનારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં સોંપાયો હતો તો આજે નલિયા કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
194.97 કરોડની કિમતનું હેરોઇન કેસમાં સંડોવણી: ગુજરાત એટીએસે જખૌના દરિયામાંથી 38.994 કિલોગ્રામ હેરોઇન 194.97 કરોડની કિમતનું અલ તાયસા નામની બોટમાંથી પકડી પાડી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી એક નાઈઝીરીયન મહિલાની દેખરેખમાં લોરેન્સ બિશ્નોઇએ ભારતમાં મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં ગુજરાત એટીએસએ મહંમદ શફી, મોહસીન શહેઝાદ, જહુર અહેમદ, મોહમ્મદ સોહેલ અને મોહમ્મદ કામરાન નામના 6 પાકિસ્તાનીઓની બોટમાંથી ધરપકડ કરી હતી. જે બાદ આ ડ્રગ્સની ડિલિવરી લેનાર બે આરોપીઓ જેમાં સરતાજ સલીમ મલિક અને જગદીશ સિંહને પકડી લેવામાં આવ્યા હતા. ATS લોરેન્સ બિશ્નોઇને રિમાન્ડ દરમિયાન તેની ડ્રગ્સ કેસમાં સંડોવણી અંગે પૂછપરછ કરાશે.
આગામી સમયમાં થશે મોટા ખુલાસા: આજે જ્યારે લોરેન્સ બિશ્નોઇને કચ્છના નલિયાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત ATS સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ લોરેન્સની પૂછપરછ કરશે અને પાકિસ્તાન મારફતે ભારતમાં ગેંગ દ્વારા ક્યાં ક્યાં ષડયંત્રો કરવામાં આવ્યા છે. તેમજ ક્યાંથી હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી છે અને પાકિસ્તાન સાથે કેવા સબંધો છે તેના ખુલાસા આગામી સમયમાં થશે.
ATS 14 દિવસ કરશે પૂછપરછ: લોરેન્સ બિશ્નોઈના વકીલ એચ.કે.સોલંકીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 'કોર્ટે 9મી મે સુધીના લોરેન્સના રિમાન્ડ મંજૂર કર્યા છે. ATS કોર્ટ સમક્ષ 3 મુદ્દા મુક્યા હતા જેમાં લોરેન્સનું ડ્રગ્સની હેરાફેરીમાં નાઈજિરિયન મહિલા સાથે કોઈ કનેક્શન છે જેની તપાસ કરવામાં આવશે. પાકિસ્તાનની જેલમાં રહેલા હેન્ડલર સાથે શું સંબંધ છે કઈ રીતે જેલમાં બેસીને કોન્ટેક્ટમાં છે તો જખૌ પોર્ટ પાસેથી પાકિસ્તાની બોટ અને 6 પાકિસ્તાનીઓ પાસેથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું જેમાં લોરેન્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસમાં લોરેન્સની શું ભૂમિકા છે તે તમામ બાબતોની પૂછપરછ માટે ATS એ રિમાન્ડની માંગણી કરી હતી.'
આ પણ વાંચો Kutch Crime News : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના થયા રિમાન્ડ મંજૂર
આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અંગે પણ માંગણી: લોરેન્સની સુરક્ષા અંગે વાતચીત કરતા વકીલે જણાવ્યું હતું કે, 'તેને ચેતક કમોન્ડોની સુરક્ષા આપવામાં આવી છે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યું છે. કોર્ટ સમક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અંગે પણ માંગણી કરવામાં આવી હતી અને તેને યોગ્ય સુરક્ષા પણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. રિમાન્ડ દરમિયાન જે રીતે ATS લોરેન્સની પૂછપરછ કરશે અને ત્યારબાદ જ્યારે 14 દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તે મુજબ દલીલો કરવામાં આવશે.'