ગાંધીધામ : વાહનો અને લોકોની અવરજવરથી સતત ધમધમતા ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી ચકચારી લૂંટનો બનાવ બન્યો હતો. ગતરોજ 2.13 કરોડથી વધુ રોકડ રૂપિયા ભરેલી કેશવાનને અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે હંકારી જતાં ભારે દોડધામ મચી હતી. પોલીસ અને કેશવાનના કર્મચારીઓએ પીછો કરતા આરોપી વાન મૂકી નાસી છૂટયા હતા. આ મામલે આજે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ચકચારી લૂંટ : આ મામલે મળતી વિગત અનુસાર હીટાચી કેસ મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પોતાની કેશવાનમાં બેંકમાંથી રૂપિયા લોડ કરી અલગ અલગ ATM માં રૂપિયા નાખવાનું કામ કરે છે. ગઈકાલે સવારના સમયમાં કંપનીના કસ્ટોડીયન કર્મચારીઓએ બેન્કિંગ સર્કલ વિસ્તારમાં SBI બેંક પાસેથી કંપનીની કેશવાન ટાટા યોદ્ધામાં રોકડા 2.13 કરોડ લોડ કર્યા હતા. બાદમાં કર્મચારીઓ થોડે આગળ ચા-નાસ્તો ક૨વા માટે ગયા, ત્યારે અચાનક આરોપીઓએ આ કેશવાનને ડુપ્લિકેટ ચાવીથી ખોલી વાહન હંકારી નાસવા લાગ્યા હતા.
જાગૃત નાગરિકે કરી પોલીસની મદદ : આ ઘટના બનતા જ કસ્ટોડીયન દીપક સથવારાએ એક એક્ટિવા ચાલકને ઉભો રાખી તેની સાથે કેશવાનનો પીછો કર્યો અને પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ભચાઉ તરફના રસ્તા પર નાકાબંધી કરી પોલીસની ટીમ સાથે કેશવાનનો પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ કેશવાનથી ગાંધીધામના રહેવાસી દર્શિત ઠક્કર નામના વ્યક્તિના વાહનને ટક્કર મારી હતી. ત્યારબાદ આરોપીઓ કેશવાન હંકારીને ભચાઉ હાઇવે તરફ ભાગી ગયા હતા.
આરોપીઓ કેસવાન મૂકી નાઠ્યા : દર્શિત ઠક્કરે કસ્ટોડીયન દીપક સથવારાને સાથે લઈ પોતાના વાહનથી કેશવાનનો પીછો કર્યો હતો. તેઓ સતત પોલીસના સંપર્કમાં રહીને અપડેટ આપી રહ્યા હતા. આ દરમિયાન પોલીસની ગાડી પણ કેશવાનનો પીછો કરતી હતી. આ વચ્ચે મીઠીરોહર ગામ જતા આરોપીઓને પોલીસની જીપ તથા પ્રાઇવેટ વાહન પીછો કરતા હોવાનું ધ્યાને આવતા કેશવાનને મૂકી નાસી ગયા હતા. પોલીસની ટીમે સ્થળ પણ પહોંચી કેશવાનનો કબજો મેળવી લીધો હતો. આ ચકચારી લૂંટના બનાવ સબંધે ગાંધીધામ એ ડિવિઝનમાં IPC કલમ 392 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગાંધીધામ પોલીસની કાર્યવાહી : આ લૂંટનો કેસ ઉકેલવા માટે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની આગેવાનીમાં LCB પોલીસ અને ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક ભચાઉ તથા સામખ્યાળી પોલીસ સ્ટેશનને નાકાબંધી કરવા જાણ કરવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક જગ્યાની વિઝીટ કરી આરોપીઓ કેશવાન લઈને જે વિસ્તારમાં ભાગ્યા હતા તે વિસ્તારના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી ગણતરીના સમયમાં આ ગુનામાં સંડોવાયેલ તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘર કા ભેદી લંકા ઢાયે : ઉલ્લેખનિય છે કે, ઝડપાયેલા તમામ આરોપીઓ 19 વર્ષથી 25 વર્ષ સુધીની ઉંમરના છે, જે પૈકી આરોપી વિવેક ઉર્ફે વિવાન તથા નીતીન ગજરા બંને હીટાચી કેસ મેનેજમેન્ટ સર્વિસ કંપનીમાં કસ્ટોડીયન તરીકે ફરજ બજાવતા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ બંને આરોપીએ આજથી આશરે દોઢ માસ પહેલા કેશવાન રોકડા રૂપિયા ATM માં ભરવા જાય ત્યારે તે રૂપિયા ATM માં ભરવાના બદલે બારોબાર પોતાના માટે મેળવી લેવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ બંને આરોપીઓને કસ્ટોડીયનમાંથી કેસ કલેકશનની જવાબદારી આપતા તેમણે ઘડેલો પ્લાન ફેલ ગયો હતો.
લૂંટનો માસ્ટર પ્લાન : જોકે બાદમાં લુંટના ગુનાને અંજામ આપવા માટેનો પ્લાન બનાવ્યો હતો. આરોપી વિવેક ઉર્ફે વીવાનના ઘરે સદરહુ કેશવાન રાત્રી દરમિયાન દરરોજ પાર્ક થતી અને ચાવી તેની પાસે રહેતી હતી. તેથી તેણે ઓરીજનલ ચાવીમાંથી ગૌતમ વિંઝુડાને ડુપ્લીકેટ ચાવી બનાવવા માટે આપી હતી. પ્લાન અનુસાર નીતિન ભાનુશાળી કેશવાનના રોકાયેલ કર્મચારીઓને ચા-નાસ્તો કરવાના બહાને કેશવાનથી દૂર લઈ ગયો અને દિનેશ ફફલ, રાહુલ સંજોટ તથા રાહુલ બારોટ સ્વિફ્ટ કારમાં આવ્યા અને ડુપ્લિકેટ ચાવીથી કેશવાનને ચાલુ કરી નાસી ગયા હતા. આરોપી રાહુલ સંજોટ અને રાહુલ બારોટ બંને જણા સ્વીફ્ટ કારથી કેશવાનની પાછળ ગયા અને ગૌતમ વિંઝુડા અર્ટીકા કારથી આગળ ઊભો હતો.
ઝડપાયેલા આરોપી : પોલીસે આ કેસમાં કુલ છ આરોપીઓને દબોચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 25 વર્ષીય રાહુલ રામજીભાઈ સંજોટ, 22 વર્ષીય વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ, 21 વર્ષીય દિનેશ વેલજીભાઈ ફફલ, 20 વર્ષીય રાહુલ હીરજીભાઈ બારોટ, 23 વર્ષીય નિતીન ગોપાલભાઈ ગજરા અને 19 વર્ષીય ગૌતમ પ્રકાશ વિંઝુડા સામેલ છે.