કચ્છઃ અબડાસાના દરિયા કિનારેથી 183 પેકેટ ચરસના પકડાયા પછી રવિવારે મધરાત સુધીમાં વધુ 213 ચરસના બિનવારસી પેકેટ દરિયામાંથી મળી આવ્યા છે. વિવિધ સુરક્ષા એજન્સીઓની આ કામગીરીમાં કુલ 396 પેકેટ મળી આવ્યા છે. જેની કિંમત રૂપિયા 5.94 કરોડ જેટલી છે. કચ્છમાં એક મહિનાથી આ રીતે ક્રિક અને કિનારા વિસ્તારમાંથી ચરસના 500થી વધુ પેકેટ મળવાની ઘટનાએ સુરક્ષા એજન્સી માટે કોયડો સર્જી દીધો છે. કોઈ ચોકકસ કારણ અને દિશા હજુ સુધી પકડાઈ નથી, પણ સુરક્ષા એજન્સીઓ માની રહી છે કે, દરિયામાં ડિલિવરી દેવા આવેલા લોકોએ સુરક્ષા એજન્સીને જોઈ જવાથી દરિયામાં ફેંકી દીધેલો જથ્થો તણાઈને કચ્છના દરિયા કિનારે આવ્યો હોવાની સંભાવના છે.
પોલીસ સૂત્રોએ કહયું હતું કે, દરિયામાં રવિવારે હાઈટાઈડ હતી જેને કારણે મોટો જથ્થો તણાઈ આવ્યો છે. વિવિધ સરુક્ષા એજન્સીઓના આ મેગા ઓપરેશન દરમિયાન જે તે વિસ્તારમાં સમુદ્રકાંઠેથી મળેલા ચરસના પેકેટ વિશે સંબંધિત પોલીસ મથકમાં નોંધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી દ્વારા તમામ સ્થળે જઇને પરીક્ષણ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. ભૂજના એસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તારમાં હજુ પણ તપાસ અભિયાન ચાલુ હોવાથી વધુ જથ્થો મળવાની સંભાવના જોવાઇ રહી છે.
આ તમામ પેકેટની કિંમત રૂપિયા 5.94 કરોડ જેટલી છે, તેવું સત્તાવાર સાધનો દ્વારા જાણવા મળ્યું હતું.