કચ્છ : કોઈ પણ ક્ષણને હંમેશ માટે જીવંત બનાવતી કોઈ કલા હોય તો એ ફોટોગ્રાફીની કલા છે. ફોટોગ્રાફીની કલાને પ્રોત્સાહન આપવા માટે અવારનવાર કાર્યો થતાં હોય છે. ગુજરાતના સૌથી જૂના અને ઐતિહાસિક મ્યુઝિયમ કચ્છ સંગ્રહાલય દ્વારા કલા કારીગરીને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તો વિવિધ પ્રસંગે તેને અનુરૂપ કાર્યક્રમ અને સ્પર્ધાઓ પણ યોજવામાં આવતી હોય છે. જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો કચ્છ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે. આ મ્યુઝિયમને ફક્ત પ્રાચીન વસ્તુઓ સુધી સીમિત નથી રાખ્યું. પરંતુ કચ્છ સંગ્રહાલય દ્વારા આજના કલાકારોની કલાને પ્રોત્સાહન આપવા અનેક પ્રદર્શન અને વર્કશોપનું આયોજન કરવામાં આવતું હોય છે.
ફોટોગ્રાફી સ્પર્ધા : વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ સંદર્ભે કચ્છ મ્યુઝિયમ દ્વારા "મારું કચ્છ" વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યારેય કોઈએ જોઈ ન હોય તેવી કચ્છની શ્રેષ્ઠ તસવીરોને જે તસવીરકારોએ સબમિટ કરી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લીધેલા ફોટોગ્રાફરોમાંથી વિજેતા બનેલા 3 ફોટોગ્રાફર્સને કચ્છ રાજપરિવારના સહયોગ થકી ઈનામ આપવામાં આવ્યા હતા. તો વિજેતાઓ ઉપરાંત અન્ય 42 પસંદગી પામેલી તસવીરોને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.
શ્રેષ્ઠ તસવીર : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, સ્વતંત્રતા દિવસ અને વિશ્વ ફોટોગ્રાફી દિવસને સાંકળીને કચ્છ સંગ્રહાલય દ્વારા મારૂં કચ્છ વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોટોગ્રાફી સ્પર્ધામાં કચ્છના પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ સમીર ભટ્ટ, પ્રકાશ ભટ્ટ અને આર્કિટેક્ટ શ્રીરાજસિંહ ગોહિલની નિર્ણાયક સમિતિ દ્વારા શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ત્રણ ફોટોગ્રાફર્સને શ્રેષ્ઠ તસવીરો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઈનામ આપવામાં આવ્યા હતા.
કુલ 159 જેટલા લોકોએ આ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લીધો હતો. મુખ્ય શ્રેણીમાં શ્રેષ્ઠ 3, શ્રેષ્ઠ 11 તસવીરો ઉપરાંત અન્ય પસંદ થયેલી 34 તસવીરો સાથે કુલ 45 તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. વર્લ્ડ ફોટોગ્રાફી દિવસના વિજેતા તસવીરકારોને ઈનામ વિતરણ કરવા સાથે પ્રદર્શનનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું.-- બુલબુલ હિંગલાચિયા (ક્યૂરેટર, કચ્છ મ્યુઝિયમ)
મહારાણી ઓફ કચ્છ : આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફોટોગ્રાફર વસંત સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તો કચ્છના મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છ તથા તેમની સાથે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા અને દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને રાજપરિવારના અન્ય સભ્યો અને ફોટોગ્રાફર પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિજેતા તસવીર : મારું કચ્છ વિષય પર રાખવામાં આવેલ આ સ્પર્ધામાં અમિત મકવાણાની પ્રાગ મહેલ અને રાણી વાસની તસવીરને પ્રથમ ઈનામ મળ્યું હતું. તો વાદળી આકાશ અને વાદળી રંગના પાણી વચ્ચે વિહરતા જુદી જુદી પ્રજાતિના પક્ષીઓની તસવીર માટે નખત્રાણાના પાર્થ કંસારાને દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું હતું. તો કચ્છી WWF કહેવાતા બખમલાખડાના બે સ્પર્ધકોની કુસ્તીની તસવીરને તૃતિય ઇનામ પ્રાપ્ત થયું હતું.
કચ્છની ઝાંખી : કચ્છના તેમજ દેશ વિદેશના ફોટોગ્રાફર્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમને કચ્છની કલા, સંસ્કૃતિ, લોકો, સ્થાપત્ય અને વારસાને ઉજાગર કરતી સુંદર તસવીરો સ્પર્ધા માટે મોકલી હતી. ફોટોગ્રાફરો દ્વારા કચ્છની સ્ટ્રીટ ફોટોગ્રાફી, સફેદ રણમાં એસ્ટ્રો ફોટોગ્રાફી, કચ્છના વનવિભાગની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સહિતની તસવીરો સ્પર્ધામાં મોકલી હતી. જેને આજે કચ્છ મ્યુઝિયમની દીવાલ પર સ્થાન મળ્યું હતું.
કચ્છ મ્યુઝિયમ : કચ્છ મ્યુઝિયમના ક્યૂરેટર બુલબુલ હિંગલાચિયાએ જણાવ્યું હતું કે, કચ્છ મ્યુઝિયમ તરફ વધુને વધુ લોકોને આકર્ષવા હવે મ્યુઝિયમ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ થઈ રહ્યું છે. તેના જ પરિણામે આ આયોજનને બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ સ્પર્ધાના વિજેતાઓને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.
ત્રિદિવસીય પ્રદર્શન : કચ્છની શ્રેષ્ઠ તસવીરોને ઉજાગર કરતું આ ત્રિદિવસીય પ્રદર્શન 22 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. આ પ્રદર્શન સવારે 10 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધી કચ્છ સંગ્રહાલયની જૂની આલ્ફ્રેડ હાઇસ્કુલ બિલ્ડીંગમાં લોકોને નિઃશુલ્ક નિહાળવા મળશે.