કચ્છ : ગણેશ ચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર ગણપતિની મૂર્તિઓ બનાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. લોકો હાલમાં વિવિધ સામગ્રીમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવાનું તેમજ ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જેમાં માટી, ગોબર અને નાળિયેરના રેસામાંથી ગણપતિની અવનવી મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. કચ્છના અંતરજાળ ગામના શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી માટીના ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ : ગણેશ ઉત્સવ 2023 માટે શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અંતરજાળ મધ્યે ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આસપાસની બહેનો કે જેઓને પણ કંઈ કાર્યમાં વ્યસ્ત રહેવું હોય તેમના સહયોગ માટે તેમજ તેમને પણ આ કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ બાપટે ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિને ઘરે લઈ જઈ પૂજન કરી ઘરે જ પાણીમાં વિસર્જન કરવા માટે અપીલ કરી છે.
સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ : કચ્છના આદિપુર નજીક આવેલા અંતરજાળ ગામમાં શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીના ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરુ કરવામાં આવ્યું છે. આ કાર્ય મનીષા બાપટ, એડવોકેટ રચના જોશી દ્વારા કરવામાં આવે છે. હાલ ઘણા વર્ષોથી વિશ્વનું વાતાવરણ દુષિત થઈ રહ્યું છે. જે ખૂબ ચિંતાનો વિષય છે. વિશ્વમાં ભારત દેશમાં સરકારી તંત્ર દ્વારા પણ પર્યાવરણ બચાવવા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. તો ભારતમાં હાલ વિવિધ સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો દ્વારા પર્યાવરણ બચાવવાના અભિયાન પણ મોટા પાયે હાથ ધરવામાં આવી રહ્યા છે.
અગાઉ ભક્તો ગણેશજીની મૂર્તિ માટે પીઓપીની મૂર્તિ વધારે પસંદ કરતા હતા. જેમાં મૂર્તિનું વિસર્જન તળાવ, નદી અથવા સમુદ્ર કિનારે કરવાથી જળચર અને સમુદ્રી જીવોને નુકશાન થાય અને તે મૃત્યુ પામે છે. માટીની મૂર્તિ લઈ ગણેશ ઉત્સવની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે. -- મુકેશ બાપટ (ટ્રસ્ટી, શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ)
આત્મનિર્ભરતાની પહેલ : શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ અને સ્થાનિક બહેનો દ્વારા ગંગાસાગરની માટીમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવીને તેના પર વિવિધ રંગો ભરી તેમજ કલાત્મક સુશોભન કરવામાં આવે છે. ગણેશજીની 16 ઈંચથી માંડીને 24 ઈંચ સુધીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીને બહેનો આત્મનિર્ભર પણ બની રહી છે. આ કાર્ય થકી બહેનો આત્મનિર્ભર તો બને જ છે સાથે સાથે પર્યાવરણ માટે પણ કાર્ય થઈ રહ્યું છે.
ભક્તોને અપીલ : શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ બાપટે માહિતી આપતા જણાવ્યું હતું કે, પીઓપીની ગણેશજીની મૂર્તિઓને સમુદ્રમાં વિસર્જન કરવાથી સમુદ્રમાં રહેલ જળચર પ્રાણીને જીવ ગુમાવવો પડે છે. ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું ચલણ આજકાલ વધી ગયું છે. મહારાષ્ટ્રમાં જેટલા ઉત્સાહથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. તેટલા જ ઉત્સાહ સાથે ગુજરાતમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિને ઘરે લઈ જઈ પૂજન કરી ઘરે જ પાણીમાં વિસર્જન કરવા માટે અપીલ કરી છે.
- Janmashtami 2023: શું તમે જોયું બાળકોએ બનાવેલું કૃષ્ણનું ગોકુળીયું ગામ ?
- AatmaNirbhar Cowshed Project : કચ્છના અંતરજાળના ગૌ સેવકનો ગૌશાળાને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ, જાણો કંઈ રીતે થઈ રહ્યું છે કાર્ય...