કચ્છ: આજના આધુનિક યુગમાં પ્રાથમિક જરૂરિયાતોમાં વાહનનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. અગાઉ વાહન એક લક્ઝરી લાઇફસ્ટાઇલ દર્શાવતું હતું જ્યારે હવે વાહન 'લક્ઝરી' નહીં પણ જરૂરિયાતનું સાધન બની ગયું છે. લોકો માત્ર કામના સ્થળે કે ફરવાના સ્થળે જવા માટે વાહનનો ઉપયોગ કરે છે તો સાથે જ દરેક વાહનની આગવી ઓળખ એટલે કે તેના પ્લેટ નંબર એ પણ હવે લક્ઝરી ગણાય છે. લોકો વાહનોમાં પોતાની પસંદગીના નંબર મેળવવા માટે પણ મોટી મોટી બોલી લગાવતા હોય છે. વર્ષ 2024માં પસંદગીના નંબર વાહનચાલકોને આપીને કચ્છની બન્ને RTO કચેરીઓને મળીને કુલ 2.24 કરોડની આવક થઈ છે.
પસંદગીના નંબર થકી આરટીઓને 2.24 કરોડની આવક: વાહન વ્યવહાર કચેરી વાહનચાલકોને પસંદગીના નંબરો માટે લિલામી પ્રક્રિયા હાથ ધરે છે. આ પ્રક્રિયામાં ઘણી વખત તો ગાડીની કિંમતથી કરતા વધુ રૂપિયા ચૂકવીને લોકો પોતાના પસંદગીના નંબરો મેળવતા હોય છે. છેલ્લા વર્ષની એટલે કે વર્ષ 2024ની વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છના અંજાર ખાતેની RTO કચેરી અને પશ્ચિમ કચ્છના ભુજ ખાતેની RTO કચેરી મળીને 2,24,59,500 ની આવક પસંદગીના નંબરો ખરીદવાથી મેળવેલ છે. આ રકમ માત્ર ગોલ્ડન અને સિલ્વર શ્રેણીમાં આવતા પસંદગીના નંબરની છે જેને મેળવવા માટે વાહનચાલકોએ ઓનલાઈન લિલામીમાં ભાગ લેવાનો હોય છે.
પસંદગીના નંબર મેળવવાની પ્રકિયા ઓનલાઈન: અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પસંદગીના નંબર મેળવવાની પ્રકિયા ઓફલાઇન હતી ત્યારે RTO કચેરીમાં લીલામી પ્રક્રિયા યોજાતી હતી. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની બોલીમાં ભાગ લેનારી પાર્ટીઓ, RTO એજન્ટો અને RTO અધિકારીઓ બેસતા હતા. એક પછી એક કવર ખૂલતાં અને જો એક જ નંબર માટે એકથી વધુ ખરીદનારા હોય તો તમામ પક્ષે વિવિધ બોલી બોલતી હતી. પરંતુ હવે આ પ્રકિયા ઓનલાઈન થઈ ગઈ હોવાથી હવે પહેલા જેવી પસંદગીના નંબર મેળવવા રસાકસી જોવા મળતી નથી.
ક્યાં નંબરો માટે લાગે છે વધુ બોલી: વાહન ચાલકો ખાસ કરીને 0001, 3333, 7777, 0007, 0009, 1111, 9999, 0077, 0777, 0999, 4444, 8000, 0786, 0099, 0100, 0010, 1000, 6666 જેવા ગોલ્ડન અને સિલ્વર નંબરો તેમજ પોતાની જન્મદિવસની કે લગ્નદિવસની તારીખો મુજબના આંકડા પસંદ કરીને તે નંબર મેળવવા માટે મોટી મોટી રકમ ચૂકવતા હોય છે. આ રકમ થકી RTO ને પણ સારી એવી આવક થતી હોય છે.
ભુજ આરટીઓને 3059 વાહનો થકી 1,62,46,500 રૂપિયાની આવક: વર્ષ 2024માં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરમાં વાહન નંબરની કેટલી શ્રેણી ખૂલી અને આ શ્રેણીઓમાં ગોલ્ડન અને સિલ્વર નંબરોમાંથી RTO ને કેટલી આવક થઈ તે અંગે પૂર્વ કચ્છના અંજારની RTO કચેરી અને ભુજની RTO કચેરીથી મળતી માહિતી મુજબ, ભુજ RTO માં વર્ષ દરમિયાન કુલ 3059 વાહનો નોંધાયા છે. ટુ-વ્હીલર વાહનો માટે 2 અને ફોર-વ્હીલર વાહનો માટે વાહન નંબરની 1 સીરિઝને ખુલ્લી મૂકવામાં આવી હતી. ઓનલાઈન હરાજીમાં તંત્રને કુલ 1,62,46,500 રૂપિયાની આવક થઈ છે. ભુજ RTO કચેરીમાં ટુ-વ્હીલર વાહનમાં 0001 અને 0009 નંબર મેળવવા માટે વાહનચાલક માલિકોએ 25000 રૂપિયા ચૂકવ્યા છે. જ્યારે ફોર-વ્હીલર વાહનમાં 0001 નંબર મેળવવા માટે વાહનચાલકે 4,51,000 રૂપિયા સુધીની બોલી લગાડી હતી.
પૂર્વ કચ્છમાં GJ 39 રજિસ્ટર્ડ વાહનોમાં 0001 નંબર વધુ પસંદ: પૂર્વ કચ્છના અંજાર RTO કચેરીમાં GJ 39 હેઠળ વાહન નંબર આપવાની શરૂઆત થઈ હતી અને વર્ષ 2024 દરમિયાન કુલ 476 જેટલા વાહનો નોંધાયા હતા. આ વાહનોમાં પસંદગીના નંબરની હરાજીથી કુલ 62,13,000 રૂપિયા ઓનલાઈન પ્રાપ્ત થયા હતા. તો અંજાર કચેરી ખાતે ટુ-વ્હીલરમાં ઍક્સેસ ગાડીનો 0001 નંબર મેળવવા માટે વાહનચાલકે 41,000 રૂપિયાની બોલી લગાવી હતી. ફોર-વ્હીલરમાં સ્કોર્પિયો ક્લાસિક કારનો 0001 નંબર મેળવવા માટે વાહન માલિકે 2,62,000 ની બોલી લગાવી હતી.
પસંદગીનાં નંબર મેળવવા ઓછામાં ઓછાં કેટલા ચૂકવવા પડે છે: RTO કચેરીમાં નોંધાયેલ વાહનોમાં પસંદગીના નંબર એટલે કે ફેન્સી નંબર મેળવવા માટે કેટલી રકમથી બોલી લગાડવામાં આવે છે. જો તેની વાત કરવામાં આવે તો ગોલ્ડન શ્રેણી માટે ટુ-વ્હીલર્સ માટે ઓછામાં ઓછાં 8,000 અને કાર સહિત અન્ય વાહનો માટે 40,000 રૂપિયાથી બોલી લગાવવામાં આવે છે. જ્યારે સિલ્વર શ્રેણીમાં પસંદગીના નંબર્સમાં ટુ-વ્હીલર્સ માટે ઓછામાં ઓછા 3500 અને કાર સહિત અન્ય વાહનો માટે 15,000 રૂપિયાથી બોલી લગાવવામાં આવે છે. ગોલ્ડન અને સિલ્વર સિરીઝ સિવાયના પસંદગીના નંબરો કે જે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવે છે, તેમાં ટુ-વ્હીલરના નંબર માટે ઓછામાં ઓછા 2000 રૂપિયા જ્યારે કાર સહિત અન્ય વાહનો માટે 8,000 રૂપિયા RTO તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે.
કંઈ રીતે પસંદગીના નંબર મેળવવા કરાય છે એપ્લિકેશન: પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા https://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી કરાવવી હોય છે. જેમાં યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરની કચેરીના પરિપત્રની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો હોય છે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર કરવાની રહેતી હોય છે.
હરાજીની પ્રક્રિયા પુરી થયાના 5 દિવસમાં બીડ અમાઉન્ટ જમા: અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં વાહનચાલક પસંદગીનો કોઇ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી વાહનચાલકની પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં, તો અરજી તારીખથી ગણતા 60 દિવસ એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવે છે. વાહનચાલકે હરાજીની પ્રક્રિયા પુરી થયાના 5 દિવસમાં બીડ અમાઉન્ટ જમાં કરાવવાની રહેતી હોય છે. જો આ નિયત મર્યાદામાં વાહનચાલક નાણા ચૂકવવામાં નિષ્ફળ જાય છે તો મૂળ ભરેલી રકમ (Base price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવે છે.
આ પણ વાંચો: