કચ્છમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોએ શરૂ કરી વાવણી
- ખેડૂતોએ મગ, તલ, ગુવાર સહિતના પાકની વાવણી શરૂ કરી
- ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
- આ વર્ષે સારો વરસાદ થશે તેવી ખેડૂતોને આશા
કચ્છઃ કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે સમગ્ર ગુજરાતની સાથે સાથે કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છમાં સમયસર અને જરૂરિયાતથી વધુ વરસાદનો પ્રથમ રાઉન્ડ આવી જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે સારો વરસાદ થતા ખેડૂતો વાવણી કરવામાં લાગી ગયા છે.
ઇટીવી ભારતની ટીમે ભુજ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી, જેમાં ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ થશે, તેમજ વર્ષ પણ સારૂ રહેશે તે આશા સાથે વાવણી કરી રહ્યાંનું જણાવ્યું હતું.
ભુજ તાલુકાના સુમરાસર ગામે રણછોડ આહિર નામના ખેડૂતે જણાવ્યું હતું કે અન્ય તાલુકાની સરખામણીએ ભુજ તાલુકામાં ઓછા વરસાદ છે, તેમછતાં મેઘરાજાની સમયસર પધરામણી થતા વાવણી અને એક પાક લઈ શકાય તેટલા વરસાદથી ખુશી છે. આ વર્ષ સારું જશે તેવી આશા સાથે ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. મગ, તલ, ગુવારની વાવણી થઇ રહી છે, તેમજ કપાસની વાવણી પેલા જ કરી દેવાઈ હતી, જેથી આ વરસાદથી કપાસને પણ ચોક્કસ ફાયદો થશે. વધુમાં જણાવ્યું હતું કે સરકારી સહાય અને યોજનાઓ ચોક્કસથી મદદરૂપ થઇ રહી છે, પણ સરકાર પાક વીમામાં વધારો કરે અને ખેડૂતો તેનો વધુમાં વધુ લાભ લે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
હરિ આહિર નામના ખેડૂતે જણાવ્યું હતું કે ખેડૂતો હંમેશા આશાઓ સાથે વાવણી કરી દે છે, આ વર્ષે વાવણીના સમય પર મેઘરાજા મન મુકીને વરસ્યા છે, હજુ પ્રથમ રાઉન્ડ છે, પરંતું જ્યારે બીજો રાઉન્ડ થશે ત્યારે ડેમ તળાવ ભરાઈ જશે. આમ સમયસર વરસાદથી એક પાક તેમજ સિંચાઇથી બીજો પાક લઇ શકાશે. સોળ આની વષૅ સાથે મબલખ ઉત્પાદન થાય તેવી કુદરતની પ્રાર્થના કરી અને વાવણી કરી રહ્યાં છીએ.