કચ્છઃ 20 વર્ષ પહેલા 2001ની સાલમાં 26મી જાન્યુઆરીએ સવારે કચ્છ સહિત સમગ્ર રાજ્યની ધરતી ધણધણી ઊઠી હતી અને લાખો લોકોનું જીવન બદલાવી નાખ્યું હતું. ભૂકંપની આ માર ભોગવી ચૂકેલા કચ્છ વાસીઓ માટે ભૂકંપનો એક સામાન્ય ઝટકો અનુભવવો પણ લોકોના મનમાં ડર પેદા કરી દે છે. આ સ્થિતિમાં રવિવારે ભૂકંપના ઝટકા અનેક જગ્યાએ અનુભવાયા હતા, ત્યારે લોકોમાં ડરનો માહોલ છે. ઇટીવી ભારતે ભૂકંપ અંગે કચ્છ યુનિવર્સિટીના જીયોલોજી ડિપાર્ટમેન્ટ અર્થ એન્ડ સાયન્સના વડા ડૉ. મહેશ ઠક્કર સાથે વાત કરી હતી.
ડૉક્ટર ઠક્કરે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, ભૂકંપના ઝટકા જમીનથી ઊંડાઈ ખૂબ ઓછી ધરાવતા હોવાથી તેની અસર તીવ્ર છે, પરંતુ તે પોતાની જમીનની અંદર રહેલી ઉર્જા નિષ્ક્રિય કરી રહ્યાં છે તે આપણા માટે સારી બાબત છે અને તેનાથી ગભરાવાની જરૂર નથી.
આજે ઉર્જા અન્ય કોઈ ફોલ્ટ લાઈન તરફ આગળ વધી અને બહાર નીકળે તો તેનાથી આવનારા ભૂકંપથી નુકસાન થઈ શકે છે. 2001ના વિનાશક ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાગડ પંથકના કંથકોટ અને વામકાની જે ફોલ્ટ લાઈન જ્યાં ભેગી થાય છે, ત્યાંથી તે ભૂકંપ આવ્યો હતો. પરંતુ રવિવારથી અનુભવાયેલા ઝટકા વામકાથી દૂર ડબલ ફોલ્ટ લાઇન તરફથી આવી રહ્યાં છે. આ ડબલ ફોલ્ટ લાઈનની ઊંડાઈ ઓછી હોવાથી તીવ્રતા અનુભવાય છે, તેનાથી ગભરાવાની જરૂર નથી. 2001ના ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને રવિવારે અનુભવાયેલા ભુકંપના ઝટકાનું કેન્દ્રબિંદુ વચ્ચે 16 કિમિનું અંતર છે અને બંને અલગ ફોલ્ટ લાઈન છે.