ગુરુવાર રાત્રે હિલગાર્ડનમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં મારામારીની ઘટના બની હતી. જેમાં અસામાજિક તત્વો દારૂની હાલતમાં ચૂર હોવાની વાતો વહેતી થઈ છે. તેમાંય વળી આયોજકો પૈકી પણ કેટલાક નશાની હાલતમાં હોવાની વાતે પણ જોર પકડ્યુ છે. પોલીસે સ્ટેજ પર ચાલી રહેલા વિવાદને શાંત કર્યો હતો, જો કે આ અંગે પોલીસ મથકે કોઇ જ ફરિયાદ નોંધાઇ નથી. ભૂજ SP સૌરભ તોલંબિયાએ ETV ભારતને જણાવ્યું હતું કે, ફરિયાદ આવી હશે તો ચોક્કસ કાર્યવાહી થશે, પણ જ્યારે સમગ્ર ઘટનાની મધ્યસ્થી પોલિસ દ્વારા થઈ હોવાનું જણાવતા તેઓ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનું બહાનું આગળ ધરી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
બીજીતરફ નાયબ કલેકટર કુલદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આ બાબતની રજૂઆત મળી છે, તે અંગે કાયદાકીય કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે આયોજકો દ્વારા નિયમોના ઉલ્લંઘના મુદ્દે સામાજિક કાર્યકર્તા હરેશ આહીર દ્વારા તંત્રને રજૂઆત કરાઇ હતી. નિયમોનો ભંગ થતો હોવાની રજૂઆત કરી કોમર્શિયલ નવરાત્રિનો પરવાનો રદ કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ છે.
હરેશ આહિરે જણાવ્યું હતું કે, નવરાત્રીમાં દાખલ થતા પહેલા દારૂ પીને આવતા લોકોને પકડવા માટે માઉથ એનેલાઇઝર વડે તપાસ કરવી જરૂરી છેે. ઉપરોક્ત ઘટનામાં નવરાત્રીમાં દારૂ પીને સ્ટેજ પર હંગામો કરનાર લોકો માટે પોલીસની રહેમ નજર અને કુણી કામગીરી સામે સવાલો ઊભા થાય છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોમર્શિયલ ગરબાના આયોજકો તંત્રના લોકોને સીઝન પાસ આપે છે, આથી જવાબદાર આયોજકો સામે કાર્યવાહી કરતા તંત્રના લોકોને શરમ નડે છે. તેમને કાર્યવાહી ન કરવી પડે તે માટે લોકોને પ્રેક્ટીકલ થવાનું કહી પોતાની જવાબદારીમાંથી છૂટી જતા હોય છે.