કચ્છ : માધાપરના આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવીને આત્મહત્યા કરવા મજબૂર કરવાના ગુનામાં ફરિયાદ નોંધાયાના 17 દિવસ બાદ પશ્ચિમ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માસ્ટર માઈન્ડ મનીષા ગોસ્વામીનો કબજો મેળવ્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી મનીષા અને તેના પતિ સહિત 9 સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની તપાસમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અમદાવાદની યુવતી, તેને મદદ કરનાર ભુજના એક વકીલ સહિત વધુ ચાર શખ્સોની સંડોવણી સામે આવી હતી. પોલીસે તમામની અટકાયત કરતાં આરોપીઓનો આંકડો 13 પર પહોંચ્યો છે.
જેલમાં ઘડ્યું કાવતરું : હનીટ્રેપ ગુનાના તમામ આરોપીઓએ ભેગા મળીને અગાઉથી ગુનાહિત કાવતરું રચ્યું હતુ. મનીષા ગોસ્વામીએ જેલમાં બેસીને સમગ્ર કાવતરું ઘડ્યું હતું. અમદાવાદની યુવતીને તૈયાર કરી આયોજનપૂર્વક દિલીપ સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં તેની સાથે હાઇલેન્ડ રીસોર્ટ ખાતે જઈ દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આમ દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી રૂ. 4 કરોડ જેવી રકમ બળજબરીથી કઢાવી લેવાનો આરોપીનો ઈરાદો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા અને પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તમામ આરોપીઓની અટક કરવા માટે સૂચના આપી હતી. જેના ભાગરૂપે આજે LCB ટીમ સાથે પાલારા ખાસ જેલ ખાતે જઈ નામદાર કોર્ટના ટ્રાન્સફર વોરંટ આધારે મુખ્ય આરોપણ મહિલા મનિષા ગોસ્વામીનો કબજો મેળવવામાં આવ્યો છે. પૂછપરછ બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.-- સંદિપસિંહ ચુડાસમા (PI, પશ્ચિમ કચ્છ LCB)
હત્યામાં સંડોવણીઃ મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હત્યા કેસ, ખંડણી અથવા ખોટી રીતે ઉઘરાણી, ધમકી, ગુના કરવા કાવતરૂ ઘડવું, છેત્તરપિંડી, ડૉક્યુમેન્ટમાં ચેડા કરવા જેવા ગુનોમાં તે સંડોવાયેલી છે. ગાંધીધામ તથા અમદાવાદ પોલીસ ચોપડે એનું નામ બોલી રહ્યું છે.
હનીટ્રેપમાં માસ્ટર : મુખ્ય આરોપણ મનીષા ગોસ્વામી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં ભાજપના નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની સાથે તેને વિખવાદ સર્જાયો હતો. ભાનુશાલીના ભત્રીજા સુનીલે મનીષા અને તેના પતિ સહિત ચાર લોકો સામે એપ્રિલ 2018 માં અમદાવાદના નરોડા પોલીસ મથકે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. મનીષા ગોસ્વામી સામે નલિયા પોલીસ સ્ટેશને અજય ઠક્કર નામના શખ્સે પણ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી.
ચકચારી કેસમાં સામેલ : જાન્યુઆરી 2019માં જેન્તી ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં હત્યા કરવામાં હતી. તેમાં મનીષાને પણ મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવવામાં આવી હતી. તે ગુનામાં મનીષા 10 મહિના સુધી પોલીસથી નાસતી ફરતી હતી. છેવટે SITએ અલાહાબાદમાંથી સાથે આરોપી સુજીત ભાઉ સાથે મનીષાની ધરપકડ કરી હતી. ત્યારથી મનિષા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં કેદ છે. આજે તેના ટ્રાન્સફર વોરંટના આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલારા જેલમાંથી કબજો મેળવી હનીટ્રેપ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.