રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવિણાસિંહ વાઢેર તથા ભાજપ અગ્રણી દિલીપ ત્રિવેદીએ રૂબરૂ મળી રજૂઆત કરતાં તેમણે હકારાત્મક પ્રતિસાદ આપી અંબાજી, દ્વારકા તથા સોમનાથ જેવા તીર્થસ્થાનની જેમ જ માતાના મઢ તથા આસપાસના વિસ્તારનો વિકાસ કરવા તૈયારી દર્શાવી હતી.
આ અંગે સરકાર તો પહેલ કરશે જ પણ સાથોસાથ આ આયોજનમાં માતાના મઢ જાગીર ટ્રસ્ટ પણ સહયોગ આપશે તેવી તૈયારી દર્શાવાઇ હતી.
સરકારના આર્કિટેક ઇન્જિનીયર દ્વારા સમગ્ર પ્લાન ટુંક સમયમાં તૈયાર કરાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, માતાના મઢના વિકાસ માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ રસ દાખવી રહ્યા છે અને અહીં આવતા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓને સુવિધા મળે તેવા પ્રયત્નો માટે કટિબદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર આયોજનની ટુંક સમયમાં જ જાહેરાત કરાશે તેવી માહિતી મળી છે.