- PGVCL પોલ પરથી વાયરો દુર કરવાના જાહેરનામાને મોફુક રાખવાની માંગ
- 90 ટકા વાયરો ફાઈબર ઓપ્ટિક્સ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી
- તમામ સરકારી, ખાનગી ઓફિસો, બેંકો, શાળા, કોલેજો અને યુનવર્સિટીઓમાં નેટ આ વાયરોથી જ ચાલે છે
કચ્છઃ કલેકટર દ્વારા 18 ફેબ્રુઆરીના રોજ PGVCLના પોલ અને ટેલિફોનના થાંભલા પરથી વાયરો દૂર કરવા બાબતે જાહેર નામું બહાર પાડવામાં આવ્યું હતું. તે સંદર્ભે PGVCL દ્વારા કેબલ ઓપરેટરોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં 6 માર્ચ સુધી વાયરો પોલ પરથી દૂર કરવામાં નહીં આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે વાયરો કાપી નાખવામાં આવશે તેમ જણાવાયું હતું. જોકે, તમામ સરકારી કચેરીઓમાં જે ઓનલાઇન કાર્ય ચાલી રહ્યું છે તે આજ વાયરો દ્વારા ચાલે છે અને બેંક, યુનિવર્સિટી, કોલેજ શાળાઓ કે ખાનગી ઓફિસોમાં નેટ પણ આ જ વાયરોથી ચાલે છે. તેમજ ન્યૂઝ ચેનલો અને મનોરંજન પણ આ જ વાયરો દ્વારા પહોંચાડવામાં આવે છે જેથી આ જાહેરનામાને મોકૂફ રાખવા માટે માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં PGVCL કર્મચારીનો વિરોધ, રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન
ટૂંક સમયમાં વાયરો અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે
PGVCL દ્વારા પોતાના વાયરો અંડર ગ્રાઉન્ડ કરવાનું ચાલુ કર્યું હતું. તેવી જ રીતે કેબલ ઓપરેટરો પણ વાયરો ધીમે ધીમે બોલ ઉપરથી દુર કરતા જશે અને નવા વાયરો અંડરગ્રાઉન્ડની પ્રક્રિયાથી કરવામાં આવશે. કેબલ ઓપરેટરો દ્વારા નવા પોલ ઉભા કરવા પણ તૈયારી બતાવવામાં આવી હતી અને સરકારની મંજૂરી અપાવવા માટે મદદની માંગણી પણ કરી હતી. કેબલ ઓપરેટરો દ્વારા કોરોના વોરીર્યસ તરીકે જરૂરી અગત્યની સેવાઓ પૂરી નિષ્ઠાથી નિભાવવામાં આવી હતી. ત્યારે જો અચાનકથી આ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે તો તેમનો ધંધામાં અસર પડશે અને આ સેવાઓ બંધ કરવાનો વારો આવશે. જેથી કેબલ ઓપરેટર સાથે જોડાયેલા લોકો બેરોજગાર બની જશે. કેબલ ઓપરેટરો દ્વારા જાહેરનામુ મોકૂફ રાખી અને કોઈપણ દંડનીય કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગણી સાથે તંત્ર પાસેથી સહકારની અપીલ કરવામાં આવી હતી.